રાજકોટ : પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરતા પદ્મિનીબા સહિત મહિલાઓની પોલીસે કરી અટકાયત
લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. જેના પગલે તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમા

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. જેના પગલે તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. ત્યારે પરશોત્તમ રૂપાલાએ વિરોધ વચ્ચે પણ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે આજે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ખાતે પરશોત્તમ રૂપાલાના કાર્યક્રમનો ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને ક્ષત્રિયાણીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં કેટલીક મહિલાઓની અટકાયત પણ કરવામાં આવી છે.
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર ભાજપના કાર્યકર્તાના સંમેલનમાં પરશોત્તમ રૂપાલા હાજરી આપવાના હતા. આ કાર્યક્રમનો ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને ક્ષત્રિયાણીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બીજી તરફ કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ પદ્મિનીબા વાળા સહિત મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી.
નોંધનીય છે કે, પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં દિવસ એને દિવસે રોષ વધી રહ્યો છે. ત્યારે વડોદરાના ડભોઇ તાલુકાના અનેક ગામોમાં ક્ષત્રિયોએ ભાજપા પ્રવેશબંધીના બેનર લગાવ્યા છે. ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતા ડભોઇ તાલુકાના 15 જેટલા ગામોમાં ક્ષત્રિયો વિરોધ નોંધાવી ચૂક્યા છે. જ્યારે ડભોઇ તાલુકાના વધુ ત્રણ ગામમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે. તાલુકાના જૂના માંડવા ખાતે રેલી યોજી ‘રૂપાલાની ટિકિટ કાપો’ નારા સાથે પૂતળાનું દહન કરી ભાજપ આ પ્રવેશબંધીના બોર્ડ લગાવ્યા છે તો નાગડોલ અને છત્રાલ ગામમાં પણ રેલી યોજી સૂત્રોચાર સાથે ભાજપા પ્રવેશબંધીના બેનર લાગ્યા છે. આ ઉપરાંત ભાવનગર શહેરમાં પણ રૂપાલાના વિરોધમાં વિઠલવાડી સહિતના વિસ્તારોમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટરો લાગ્યા. તેમજ ઊંઝાના કંથરાવી ગામે પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે.






