મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં IPSની ઘટ છતાં 21 અધિકારી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર, શક્તિઓ વેડફાતી હોવાનો દાવો

એક તરફ ગુજરાતમાં IPS અધિકારીઓની ઘટ છે ત્યારે બીજી બાજુ ગુજરાત સરકારમાંથ

ગુજરાતમાં IPSની ઘટ છતાં 21 અધિકારી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર, શક્તિઓ વેડફાતી હોવાનો દાવો

એક તરફ ગુજરાતમાં IPS અધિકારીઓની ઘટ છે ત્યારે બીજી બાજુ ગુજરાત સરકારમાંથી 21 IPS અધિકારીઓને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર લઇ જવામાં આવ્યા છે. ગુજરાત સરકારમાં એટલી હિંમત નથી કે કેન્દ્ર સરકારને આ અધિકારીઓને પાછા મોકલવાનું કહે. તેની કિંમત ગુજરાતની પ્રજા ચૂકવી રહી છે.

આ પૈકીના કેટલાક અધિકારીઓ અનુભવી અને ગુજરાતને સમજનારા હતા. તેમને કેન્દ્રમાં લઇ જઇને સામાન્ય હોદ્દા આપીને વેડફવામાં આવી રહ્યા હોવાનો મત પણ ઘણા IPS અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. IPS અધિકારીઓનું માનવું છે કે, કેન્દ્ર સરકારની એજન્સીઓ પર પોતાનું વર્ચસ્વ જળવાય એ હેતુથી ભાજપ હાઇકમાન્ડ ગુજરાતના IPS અધિકારીઓનો ઉપયોગ કરીને તેમની શક્તિઓને વેડફી રહી છે.

આ અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર

સમરેશસિંહ, મનોજ શશીધરન, હિમાંશુ શુકલા, દીપેન ભદ્રન, શોભા ભુતડા, વી.ચંદ્રશેખર, રાજીવ રંજન ભગત સહિતના આ અધિકારીઓને ગુજરાતમાં સારૂં કામ કરી શકે પણ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર લઇ જઇને તેમની આવડત, કુનેહ અને હોશિયારીનો પૂરતો લાભ નથી લેવાઇ રહ્યો.

ગુજરાતમાંથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા મોટાભાગના અધિકારીઓને CBI, CISF,BSF, જમ્મુ કાશ્મીર, ઇન્ટેલિજન્સ અને આર્મીના અલગ અલગ વિભાગમાં મૂકવામાં આવ્યા છે. લોકો વચ્ચે રહીને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં વર્ષો ગાળનારા અધિકારીઓ અત્યારે ઓફિસ વર્કમાં અટવાયેલા છે.

ડૉ. સમશેરસિંહ 1991 બેચના હરિયાણાના IPS અધિકારી છે. સમશેરસિંહે ACBના વડા તરીકે 300 કરોડના ચેકપોસ્ટ કૌભાંડનો પર્દાફાશ કરીને સરકારને બહુ મોટો ફાયદો કરાવ્યો હતો. સમશેરસિંહે ભ્રષ્ટાચારી IAS અધિકારીઓને પણ પકડ્યા હતા. આ ઉપરાંત વાપી વલસાડમાં કુખ્યાત બુટલેગર માઇકલના છક્કા છોડાવી દીધા હતા.

મનોજ શશીધર મૂળ કેરાલાના 1994ની બેચના IPS અધિકારી છે. તેઓ 28 જૂન 2023ના રોજ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા છે. તેમણે હાલ તેઓ CBIના એડિશનલ ડાયરેક્ટર છે.

હિમાંશુ શુકલા મધ્યપ્રદેશના 2005ની બેચના IPS અધિકારી છે તેમણે બી.ટેક સુધીનો અભ્યાસ કરેલો છે.તેઓ એક જાન્યુઆરી 2022થી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયા છે હાલ તેઓ દેશની ગુપ્તચર સંસ્થા રોમાં ફરજ બજાવી રહ્યા છે.

દીપેન ભદ્રન 2007ની બેચના કેરાલાના IPS અધિકારી છે તેઓ 21 જુલાઇ 2024થી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. મનોજ શશીધરન, હિમાંશુ શુકલા અને દીપેન ભદ્રન અગાઉ અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત ATSમાં ફરજ બજાવી ચુકેલા છે.

આ ત્રણેય અધિકારીઓએ આતંકવાદી પ્રવૃતિ ડામવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ખૂંખાર ગુનેગારો તેમજ ડ્રગ્સના મોટા અને કેટલાક પાકિસ્તાનીઓને પણ પકડીને મોટા ઓપરેશન કરેલા છે. મહિલા IPS શોભા ભુતડા 2008ની બેચના લાતુર મહારાષ્ટ્રના IPS અધિકારી છે. તેમણે પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કરેલો છે. તેઓ ચાર સપ્ટેમ્બર 2019થી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. તેવો ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં હાલ ફરજ બજાવી રહ્યા છે. તેમણે આશારામ અને નારાયણ સાંઇને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં તેમનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

કેન્દ્રમાં ડેપ્યુટીશન પર ગયેલા અધિકારીઓની યાદી

  • સમશેરસિંઘ
  • મનોજ શશીધર
  • રાજીવ રંજન ભગત
  • વી ચંદ્રશેખર
  • ડૉ.વિપુલ અગ્રવાલ
  • દીપાંકર ત્રિવેદી
  • સચિન બાદશાહ
  • હિમાંશુ શુકલા
  • દિવ્યા મિશ્રા
  • દીપેન ભદ્રન
  • સૌરભ તોલંબિયા
  • શોભા ભૂતડા
  • સારાહ રીઝવી
  • પ્રદિપ સેજુલ
  • શ્વેતા શ્રીમાળી
  • અંતરિપ સુદ,
  • સૌરભસિંઘ
  • અચલ ત્યાગી
  • પ્રવિણ કુમાર
  • અમિત વસાવા
  • મનિન્દર પવાર

આ સમાચાર શેર કરો