ગુજરાત ગોપાલક વિકાસ નિગમમાં ચારણ-ગઢવી જાતિનો સમાવેશ કરવાની માંગ, મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ગુજરાત ગોપાલક વિકાસ નિગમમાં મુળગત પશુપાલક એવી ચારણ ગઢવી જાતિનો સમાવેશ

ગુજરાત ગોપાલક વિકાસ નિગમમાં મુળગત પશુપાલક એવી ચારણ ગઢવી જાતિનો સમાવેશ કરી નિગમની તમામ યોજનાઓના લાભ-ભરવાડ, રબારી જાતીને સમકક્ષ ગણી ચારણ-ગઢવી જાતિના પશુપાલક પરિવારનો આપવા બાબતને લઈને ઉપલેટાના દેવરાજ ગઢવી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી માંગ કરી છે.
ઉપલેટાના લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી દ્વારા ગુજરાત ગોપાલક વિકાસ નિગમમાં ચારણ-ગઢવી સમાજનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરતો પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો છે.
આ પત્રમાં દેવરાજ ગઢવીએ જણાવ્યું છે કે, ચારણ-ગઢવી વર્ષોથી પશુપાલન પ્રવૃતિ સાથે સંકળાયેલ છે એની ઓળખાણ જ માલધારી તરીકે છે ત્યારે તોઓને કેમ આનાથી વંચિત રાખી શકાય. જે રીતે ચારણોના નેહડા હતા અને આજે પણ છે એનો ખ્યાલ સૌ કોઈને છે છતાં દુઃખ સાથે જણાવ્યું છે કે, તેઓની વારંવારની આ વેદનાઓ બાબતે સંવેદન સરકાર સાંભળતી નથી.
આજે પણ ગીર, બરડો, આલેચ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ જેવા પ્રદેશોમાં ચારણ ગઢવી સમાજ પશુપાલન સાથે પોતાનો જીવન નિર્વાહ કરે છે એ જ એનો વ્યવસાય છે. ગુજરાતની સરકાર જો સંવેદનશીલ હોય તો અમારા સમાજનો જે હક છીનવાઈ ગયો છે એ પરત મળવો જોઈએ અને એનો લાભ મળવો જોઈએ. આર્થિક સહયોગથી ચારણ-ગઢવી પશુપાલકો આજના હરીફાઈના યુગમાં ટકી શકે અને એમના પરિવાર તેમજ પશુનું સારી રીતે પોષણ કરી શકે એટલે ચારણ ગઢવી સમાજનો ગુજરાત ગોપાલક વિકાસ નિગમમાં સમાવેશ કરવો જોઈએ તેવી માંગ કરી છે.






