મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkanthaની ચીતરીયા બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય, જાણો કારણ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે ત્યારે એક બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં

Sabarkanthaની ચીતરીયા બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય, જાણો કારણ
આ સમાચાર સાંભળો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે ત્યારે એક બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર લીનાબેન લક્ષ્મણભાઈ નિનામાનું ગત દિવસોમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. આ દુઃખદ ઘટનાને પગલે ચૂંટણી પંચ દ્વારા આ બેઠકની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉમેદવારના અવસાનથી સ્થાનિક ભાજપ સંગઠમાં શોકની લાગણી 

મળતી માહિતી અનુસાર, લીનાબેન નિનામા આ વિસ્તારના એક સક્રિય અને લોકપ્રિય મહિલા અગ્રણી હતા. બુધવારની સાંજે અચાનક તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ભિલોડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર બીમારી સામે ઝઝૂમ્યા બાદ સારવાર દરમિયાન જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. તેમના અવસાનથી સ્થાનિક ભાજપ સંગઠન અને મતદારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય

વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે ચીતરીયા બેઠકની ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીના નિયમો અનુસાર, જો કોઈ માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું મતદાન પહેલાં નિધન થાય, તો તે બેઠકની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દેવામાં આવે છે.

હવે આ બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા નવેસરથી જાહેરનામું બહાર પાડવામાં આવશે અને મતદાન માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે. ભાજપ દ્વારા આ બેઠક પર હવે નવા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે, ત્યારબાદ ફરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. 

આ સમાચાર શેર કરો