સુરતની હોટલમાં કામ કરતી વેળા મોત, 20 મિનિટમાં બે એટેક આવતા ઉડી ગયું પ્રાણ પંખેરું
સુરત સહિત સમગ્ર રાજ્યમાં નાની ઉંમરના બાળકોથી લઈને યુવકોના અચાનક થતાં મોતને લઈને ચિંતાનું મોજું

સુરત સહિત સમગ્ર રાજ્યમાં નાની ઉંમરના બાળકોથી લઈને યુવકોના અચાનક થતાં મોતને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હોટલમાં કામ કરતા 22 વર્ષીય યુવાનને હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું. વહેલી સવારે 8 વાગ્યે એક હાર્ટએટેક આવ્યા બાદ ફરી એક વખત 20 મિનિટમાં બીજો એટેક આવતા મોત નીપજ્યું હતું. મૃતક યુવાન 8 દિવસ પહેલા જ અહી કામ માટે સુરત આવ્યો હતો.
પહેલા બાદ બીજો એટેક આવ્યો
મગદલ્લા ગામ ખાતે રેહતા 22 વર્ષીય મુરત લોઢી નામના યુવાનને આજે સવારે 8 વાગ્યે પહેલો હાર્ટએટેક આવ્યો હતો. જેથી તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ રૂમમાં રહેતા મિત્રોએ તેને તાત્કાલિક સારવાર આપતા તે સ્વસ્થ થયો હતો. જો કે થોડીવારમાં જ બીજો હાર્ટએટેક આવતા તેની હાલત ગંભીર થઇ ગઈ હતી.
સારવાર મળે તે પહેલાં મોત
બીજો હાર્ટ એટેક આવતા મિત્રો તેને સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલ લઇ ગયા હતા. જો કે ત્યાના તબીબોએ તેમને સિવિલ હોસ્પિટલ લઇ જવા જણાવ્યું હતું. જેથી તાત્કાલિક યુવાનને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જો કે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેથી પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારમાં માતા - પિતા અને બે ભાઈઓ છે જે મધ્યપ્રદેશમાં રહે છે. મુરત લોઢી 8 દિવસ પહેલા જ સુરત આવ્યો હતો. જો કે યુવાનનું હાર્ટએટેકથી મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.








