પાટણમાં શિક્ષકના મોતનો કેસ: GSTVના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં, આપ્યો આ મોટો આદેશ
પાટણ જિલ્લાના સમી તાલુકામાં રાજપુરા પ્રાથમિક શાળાના શિક્ષક નટવરભાઇ દરજી વર્ગખંડની છત પર ચડીને પતરાં સરખાં કરવા જતા છત પરથી પટ

પાટણ જિલ્લાના સમી તાલુકામાં રાજપુરા પ્રાથમિક શાળાના શિક્ષક નટવરભાઇ દરજી વર્ગખંડની છત પર ચડીને પતરાં સરખાં કરવા જતા છત પરથી પટકાતાં મોત નીપજ્યું હતું. ત્યારે એક શિક્ષકે સરકારી તંત્રની ઉદાસીનતાને કારણે જીવ ગુમાવ્યો છે. શિક્ષકના મોત બાદ GSTVએ આ મામલે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યાર બાદ જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે એમ કહી શકાય. કારણ કે અમે અગાઉ પણ આ મામલે અનેક વખત જર્જરિત સ્કૂલોના અહેવાલો પ્રસારિત કરી ચૂક્યા છીએ તેમ છતા તંત્રએ જાણે આંખ આડા કાન કર્યા હોય તેમ આ બાબતને ગણકારી જ નહીં. ઉલ્લેખનીય છે કે સ્કૂલનું છાપરુ પવનના કારણે ખસી ગયું હતું, પરંતુ પોતાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન ખસે એ માટે શિક્ષક પોતે છાપરુ રિપેર કરવા ચઢ્યા હતા. શિક્ષક આ ગામમાં જ રહેતા હતા અને પોતાના ગામની સ્કૂલની આ હાલત તેમનાથી જોવાઈ નહીં અને પોતે જ તંત્રની બેદરકારી ઢાંકવા છાપરુ રિપેર કરવા ગયા અને બદલામા તેમને મોત મળ્યું.
અચાનક જ ૬૭ શાળાના જર્જરિત રુમો ઉતારી લેવા આદેશ
GSTVએ આ મુદ્દો ખૂબ જ ગંભીરતાથી લીધો અને સૌથી પહેલા આ મામલે અહેવાલ પ્રસારિત કરી સવાલ ઉઠાવ્યો કે આ સમગ્ર મામલે જવાબદાર કોણ? કારણ કે આ દુર્ઘટના બન્યા બાદ જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું અને અચાનક જ ૬૭ શાળાના જર્જરિત રુમો ઉતારી લેવા આદેશ કરાયા. જે શાળામાં આ દુર્ઘટના બની એ શાળા જર્જરિત હોવાની કોઇ રજૂઆત મળી ન હોવાનો DPO દાવો કરૂ ચૂક્યા છે, તો આ 67 શાળાના રૂમો જર્જરિત હતા એ DPO કે જિલ્લા શિક્ષણ વિભાગ પહેલાથી જાણતું હતું કે કોઈ અરજી મળી હતી કે કેમ, કે પછી જાતે જ સંજ્ઞાન મેળવીને આ કાર્યવાહી કરી છે એ પણ એક સૌથી મોટો સવાલ છે.
શિક્ષકના મોત મામલે DPOએ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો કે, શાળા જર્જરિત હોવાની કોઇ રજૂઆત મળી નથી. રજૂઆત ભલે ન મળી હોય સાહેબ પણ તંત્રની ઉદાસિનતાને કારણે આ શિક્ષકના પરિવારે તો છત્રછાયા ગુમાવી છે. શિક્ષકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. પણ આ તો ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી વાત થઈ! કારણ કે આજે જે પ્રકારે જર્જરિત ઓરડાઓને ઉતારી લેવાનો આદેશ આપવામા આવ્યો એ બાબતની ચોક્સાઈ રાખીને પહેલા જ કોઈ નિર્ણય કે કામગીરી કરાઈ હોત તો આજે આ શિક્ષકના પરિવારે પોતાનું સ્વજન ન ગુમાવ્યું હોત.
શું છે સમગ્ર મામલો?
સમી તાલુકાના ભદ્રાડા ગામના પેટાપરૂ રાજપુરા પ્રાથમિક શાળામાં બે દિવસ પહેલા ભારે પવનને કારણે છતના પતરા ખસી જતા વિદ્યાર્થીઓને કોઇ ઇજા ના થાય તે માટે શિક્ષક જાતે રિપેર કરવા માટે ચઢ્યા હતા. સ્કૂલના પતરા જૂના હોઇ વિદ્યાર્થીઓ ખખડધજ સ્કૂલમાં ભણવા માટે મજબૂર બન્યા હતા. અંતે થાકીને શિક્ષક વિદ્યાર્થીઓને કોઇ ઇજા ના થાય તે માટે પતરૂ રિપેર કરવા માટે ઉપર ચઢ્યા હતા. આ દરમિયાન પતરૂ તૂટતા શિક્ષક વર્ગખંડમાં નીચે પટકાયા હતા. જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.








