ધોળકા-ઈંગોલી રોડ પરના જોખમી 'કોનોકાર્પસ' વૃક્ષો હટાવાશે! વન વિભાગે Cadila-Concord કંપનીને આપ્યો આદેશ
અમદાવાદ જિલ્લાના ધોળકા-ઈંગોલી રોડ પર કેડીલા (Cadila) અને કોનકાર્ડ (Concord) કંપની દ્વારા મ
અમદાવાદ જિલ્લાના ધોળકા-ઈંગોલી રોડ પર કેડીલા (Cadila) અને કોનકાર્ડ (Concord) કંપની દ્વારા મોટી માત્રામાં ઉછેરવામાં આવેલા જોખમી અને વિવાદાસ્પદ 'કોનોકાર્પસ' (Conocarpus) વૃક્ષોને જડમૂળથી કાઢી નાખવાનો વન વિભાગે આદેશ આપ્યો છે. સામાજિક કાર્યકર જીતેનકુમાર સમ્રાટની ફરિયાદને પગલે વન વિભાગે જાહેર આરોગ્ય અને માર્ગ સલામતીના હિતમાં આ મોટો નિર્ણય લીધો છે.
જાહેર આરોગ્ય અને સલામતી પર ગંભીર ખતરો
વન વિભાગના આદેશમાં સ્પષ્ટપણે કોનોકાર્પસ વૃક્ષો દ્વારા પર્યાવરણ અને લોકોના જાહેર આરોગ્ય પર ઉભા થયેલા ગંભીર ખતરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વૃક્ષો કેટલાક કારણોસર જોખમી સાબિત થઈ રહ્યા છે:
આરોગ્ય જોખમ: શિયાળાની ઋતુ દરમિયાન આ વૃક્ષોના ફૂલોની પરાગરજ આજુબાજુ ફેલાય છે, જેનાથી લોકોમાં શરદી, ઉધરસ, અસ્થમા અને એલર્જી જેવા શ્વસનતંત્ર સંબંધિત રોગો ફેલાવવાની શક્યતા છે.
સલામતી જોખમ: ધોળકાથી ઈંગોલી જતા માર્ગ પર કેડીલા કંપની દ્વારા વાવેલા આ ઝડપી વૃદ્ધિ ધરાવતા વૃક્ષો હવે મોટા થઈ જતાં રોડની બંને બાજુ માર્ગ પર આવી ગયા છે, જેના કારણે રોડ સાંકડો થઈ ગયો છે. વળી, આ વૃક્ષોમાંથી અચાનક પશુઓ રોડ પર આવતા હોવાથી વાહન ચાલકોને અકસ્માતો થવાનું જોખમ પણ વધી ગયું હતું.
આ ઉપરાંત, આ વૃક્ષોના મૂળ પણ જમીનમાં ઊંડે સુધી ફેલાઈને ભૂગર્ભ કેબલ, ડ્રેનેજ લાઇન અને પાણીની પાઈપલાઈનને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
ગુજરાત સરકારના પ્રતિબંધના અનુસંધાનમાં કાર્યવાહી
જાગૃત નાગરિક જીતેનકુમાર સમ્રાટ દ્વારા કરવામાં આવેલ ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગે તત્કાળ કાર્યવાહી કરી છે.
વન વિભાગનો સ્પષ્ટ આદેશ છે કે, કેડીલા અને કોનકાર્ડ કંપનીને તાત્કાલિક અસરથી રોડ પરના તેમજ તેમના કમ્પાઉન્ડમાં આવેલા આવા તમામ જોખમી કોનોકાર્પસ વૃક્ષોને દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
આ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કોનોકાર્પસના ઉછેર પર મૂકવામાં આવેલા પ્રતિબંધ અને તેને દૂર કરવા માટેની સૂચનાના અનુસંધાનમાં લેવામાં આવ્યો છે, જેથી નાગરિકોના જીવનની સલામતી અને આરોગ્યનું રક્ષણ થઈ શકે.








