આહવામાં કામ કરવા ઠપકો આપતા મોટોભાઈ ઉશ્કેરાઈ ગયો, નાનાભાઈની કરી ઘાતકી હત્યા

ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે સગા ભાઈઓ વચ્ચેની બોલાચાલી હત્યામાં પરિણમી હોવાની ઘટના સામે આવી છે. ભવાનદગડ વિસ્તારમાં 26 વર્ષીય રણજીત પવારની તેના મોટા ભાઈ 28 વર્ષીય ગજેન્દ્ર પવારે હત્યા કરી હોવાની માહિતી મળી છે.
નાનાભાઈએ ઠપકો આપતા હત્યા કરાઈ
મળતી માહિતી મુજબ રણજીત પવાર મજૂરી કામ કરતો હતો, જ્યારે તેનો મોટો ભાઈ ગજેન્દ્ર બેરોજગાર હતો. મંગળવારે સાંજે રણજીત મજૂરી કામેથી પરત આવ્યા બાદ ભોજન કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે મોટા ભાઈને કામધંધો કરવાની સલાહ આપી હતી. જોકે, આ સલાહને લઈને બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતાં ગજેન્દ્ર પવાર ઉશ્કેરાયો હતો અને નજીકમાં પડેલી કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી નાના ભાઈ રણજીત પર હુમલો કર્યો હતો. હુમલામાં રણજીતને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આરોપી પકડાયો
ઘટનાની જાણ થતાં આહવા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપી ગજેન્દ્ર પવારને હત્યામાં વપરાયેલા હથિયાર સાથે ઝડપી લીધો હતો. આહવા પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

