Amreli:દામનગર શહેર ભાજપ મહામંત્રી પર જીવલેણ હુમલો; ધારાસભ્યની હાજરીમાં ભાજપના જ નેતાએ હુમલો કર્યો
અમરેલી જિલ્લાના દામનગર ખાતે આજે એક સરકારી કાર્યક્રમ દરમિયાન રાજકીય ગરમાવો લોહીયાળ સંઘર્ષમાં ફેરવાયો હતો
અમરેલી જિલ્લાના દામનગર ખાતે આજે એક સરકારી કાર્યક્રમ દરમિયાન રાજકીય ગરમાવો લોહીયાળ સંઘર્ષમાં ફેરવાયો હતો. બ્રીજના ખાતમુહૂર્ત વિધિ ચાલી રહી હતી ત્યારે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની હાજરીમાં જ ભાજપના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હુમલો થતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, દામનગર ખાતે બ્રીજનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ઉપસ્થિત હતા. કાર્યક્રમ દરમિયાન અચાનક અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર હિરાભાઈ નવાપરા અને ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ તજા વચ્ચે કોઈ કારણોસર ઘર્ષણ થયું હતું. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને હિરાભાઈ નવાપરાએ ધારાસભ્યની હાજરીમાં જ પ્રકાશ તજા પર ઘાતક હથિયાર વડે હુમલો કરી દીધો હતો.
આ હુમલામાં પ્રકાશ તજાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધારાસભ્ય જનક તળાવીયાએ તાત્કાલિક દરમિયાનગીરી કરી લોહીલુહાણ હાલતમાં મહામંત્રીને પોતાની જ ગાડીમાં બેસાડી દામનગર હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે, ઈજા ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસ અને સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ હુમલા પાછળ કોઈ રાજકીય વિવાદ કરતા કૌટુંબિક કારણો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, જાહેરમાં અને તે પણ ધારાસભ્યની હાજરીમાં ભાજપના જ બે હોદ્દેદારો વચ્ચે થયેલા આ હુમલાએ જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.






