સુરત/ વરાછાના દબંગ ધારાસભ્ય ફરી મેદાને, કુમાર કાનાણીએ આ કારણે કલેક્ટરને લખ્યો પત્ર
સુરતના વરાછાના ધારાસભ્ય સરકાર સામે પડતાં હોવાથી સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે આ વખતે વરાછાના ધાર

સુરતના વરાછાના ધારાસભ્ય સરકાર સામે પડતાં હોવાથી સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે આ વખતે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ કલેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓના હિતની વાત કરી છે. સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવા માટે રજૂઆત કરતાં લખ્યું કે, એજન્ટોના હાથે લોકો લૂંટાઈ રહ્યાં છે. સામાન્ય લોકોને મોડિરાતથી લાઈનમાં રહેવાનો વારો આવે છે. જેથી યોગ્ય કરવામાં આવે તેવી માગ કરાઈ છે.
ટોકન પણ મર્યાદિત અપાય છે
કુમાર કાનાણીએ કલેક્ટરને લખેલા પત્રમાં કહ્યું કે, હાલમાં ધોરણ 10-12ના પરિણામ આવ્યાં છે. વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન લેવાના હોય છે. જેના ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં કરવાની હોય છે. જેના માટે વિદ્યાર્થીઓને જાતિનું પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ હાલમાં સેન્ટરો પર ખૂબ મોટી સંખ્યામાં લોકોને રાત્રે 2 વાગ્યાથી દાખલા કઢાવવા માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે. સિમિત સંખ્યામાં ટોકન આપવામાં આવે છે. જેથી બાકીના લોકો હેરાન થાય છે.
વ્યવસ્થા કરવા માગ
એજન્ટો દ્વારા ઓપરેટરો સાથે સાંઠ ગાંઠ કરી પૈસા લઈ 2 જ કલાકમાં દાખલાઓ કાઢી આપવામાં આવે છે. દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. જેથી આ વખતે તંત્ર દ્વારા અગાઉથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી મારી માગ હોવાનું કુમાર કાનાણીએ વધુમાં લખ્યું છે.








