પાટણ SPની મુશ્કેલીમાં વધારો, વેપારીના અપહરણ મામલે LCBના ચાર પોલીસકર્મીઓ વિરુદ્ધ નોંધાયો ગુનો
અમદાવાદના વેપારીના અપહરણ મામલે તપાસ કરી રહેલી ક્રાઈમબ્રાન્ચે પાટણ પોલસની લોકલ ક્રાઈમબ્રાન્ચના ચાર પોલીસ કર્મચ

અમદાવાદના વેપારીના અપહરણ મામલે તપાસ કરી રહેલી ક્રાઈમબ્રાન્ચે પાટણ પોલસની લોકલ ક્રાઈમબ્રાન્ચના ચાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધતા પાટણ જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. પાટણ જિલ્લાના પોલીસ વડા રવિન્દ્ર પટેલ વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને અનેક પુરાવા મળ્યા છે. જે અનુસંધાનમાં પાટણ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચના વિક્રમ દેસાઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ વેપારીના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે.
કારમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા
પાલડી પંચશીલ એન્કલેવમાં રહેતા અતુલ પ્રજાપતિ નામના વેપારીએ ફરિયાદમાં જણાવ્યું કે તે આંબાવાડીમાં વ્યવસાય કરે છે. પ્રથમ એપ્રીલના રોજ સાંજના સાડા પાંચ કલાકે એક કાળા કાચની નંબર પ્લેટ વિનાની કારમાં ચાર લોકો આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ પાટણ એલસીબીથી આવે છે અને તેમની પૂછપરછ કરવાની છે. ત્યારબાદ કારમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા.
વેપારીના સ્ટાફે પોલીસ કંટ્રોલરૂમમાં કરી હતી જાણ
આ મામલે વેપારીના સ્ટાફે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી. વેપારીની પૂછપરછ કરી હતી. ત્યારબાદ રસ્તા પર ઉતારીને સમગ્ર બાબત અંગે કોઈને જાણ ન કરવાની ધમકી આપીને નાસી ગયા હતા.
આ કેસની તપાસમાં સીસીટીવી ફુટેજ, અમદાવાદમાં સ્ટાફની હાજરી તેમજ કોલ ડીટેઇનના આધારે ક્રાઇમબ્રાંચને પુરાવા મળ્યા હતા. જેના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ કોલ ડીટેઇલ અને એલસીબીના સ્ટાફના નિવેદનના આધારે રવિન્દ્ર પટેલ વિરૂદ્ધ પણ કાર્યવાહીની સંભાવના પ્રબળ બની છે.
બીજી તરફ પોલીસ કમિશનર જી એસ મલિકે ગુજરાત હાઇકોર્ટમાં રવિન્દ્ર પટેલ વિરૂદ્ધની તપાસ અંગે એફિડેટવિટ ફાઇલ કર્યું હતું. જેમાં કેસની તપાસ હાલ ચાલુ હોવાથી સમય માંગ્યો હતો. જેથી આગામી ૧૬મી જુલાઇ સુધીનો સમય હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, રવિન્દ્ર પટેલ વિરૂદ્ધના આક્ષેપની વિગતો પણ હાઇકોર્ટ દ્વારા માંગવામાં આવી હતી. જેથી પોલીસ ખેડૂતની આત્મહત્યા અને અન્ય કેસ અંગેની વિગતો આપી હતી.








