સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરીથી અકળાયા કોર્પોરેટર, આ કારણે કહ્યું-શરૂ કરો મંજીરા વિભાગ
સુરત નજીક ચોમાસું પહોંચી ગયું છે. ભારે વરસાદ થવાના દિવસો શરૂ થઈ ગયા છે. પરંતુ સુરત મહાનગર પાલિકા

સુરત નજીક ચોમાસું પહોંચી ગયું છે. ભારે વરસાદ થવાના દિવસો શરૂ થઈ ગયા છે. પરંતુ સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોન-એમાં હજુ પ્રી-મોન્સૂનની કામગીરી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી. જેમાં આપમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરે પસ્તાળ પાડી હતી. અધિકારીની કામગીરીથી અકળાઈને તેમણે પાલિકાના અલગ અલગ વિભાગની જેમ એક મંજીરા વિભાગ ખોલવા માટે સૂચન કર્યું હતું.
પક્ષપલટુ કોર્પોરેટર આકરા પાણીએ
સરથાણા ઝોનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી. જેમાં ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈ પર પસ્તાળ પડી હતી. આ પસ્તાળ પાડતા પક્ષપલટુ નગરસેવક કનુ ગેડિયાએ પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરાવવા સૂચન કર્યું હતું. સાથે જ ભૈરવ દેસાઈને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ એવી ટકોર કરી હતી.તેમના જેવા બેદરકાર અધિકારીને તાત્કાલિક પદ પરથી દૂર કરવા માગણી પણ કરી હતી.
ડ્રેનેજની મુખ્ય સમસ્યા
કનુ ગેડિયાએ કહ્યું કે, બેઠકમાં મુખ્ય ફરિયાદો ડ્રેનેજ વિભાગની જ હતી. વોર્ડ નં 2 અને 3માં વારંવાર ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યાને લઈને મુખ્ય રજૂઆતો હતી. અમારા વિસ્તારમાં ડ્રેનેજને લગતી કામગીરી મોટા પાયા પર અધૂરી છે. જોઈએ તે રીતે કામ થતાં નથી. જેથી સામે ઉભેલા ચોમાસામાં લોકોને પડતી મુશ્કેલીમાં હલ થાય તે માટે કામગીરી કરવાની હોવા છતાં અધિકારીઓ કામ ન કરતાં હોવાથી મેં આવા સૂચન કર્યા હતાં.








