ઉત્તરાયણ પર મહાભારત: અમદાવાદ-ગાંધીનગર સહિત અનેક જગ્યાએ બબાલ, તલવાર-બેટ લઇને લોકો રસ્તા પર ઉતર્યા

ગુજરાતમાં ઉતરાયણની એક તરફ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી બીજી તરફ અમદાવાદ-ગાંધીનગર સહિત અનેક જગ્યાએ જૂથ અથડામણની ઘટનાઓ બની હતી. પોલીસે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં લઇ શાંતિ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદમાં પથ્થરમારો
અમદાવાદમાં ઉતરાયણની સાંજે નરોડા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો. નરોડાના માછલી સર્કલ પર મિત્રો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. બન્ને પક્ષના લોકો દ્વારા સામાન્ય પથ્થરમારો થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો.
ગાંધીનગરમાં બબાલ
ગાંધીનગરમાં સેક્ટર-4માં પતંગ લૂંટવા જેવી સામાન્ય બાબતમાં અથડામણ જોવા મળી હતી. લોકો એક બીજા પર ડંડા લઇને તૂટી પડ્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આ આખા મામલાને ઠાળે પાડ્યો હતો.
બોરસદમાં પતંગ ચગાવવા જેવી સામાન્ય બાબતમાં વિવાદ
આણંદના બોરસદમાં પણ પતંગ ચગાવવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે બબાલ થઇ હતી. બોરસદના નારાયણનગરમાં ખેતરમાં પતંગ ચગાવતા લોકોને બહાર કાઢવામાં આવતા વિવાદ થયો હતો. કેટલાક ઇસમો બાઇક પર તલવાર સાથે આવ્યા હતા અને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અસામાજિક તત્ત્વોને દોડાવ્યા હતા.
ભાવનગરમાં જૂથ અથડામણ
ભાવનગરના વરતેજના તાબા હેઠળ આવતા ભંડાર ગામમાં શેરીમાં ગાડી ચલાવવા બાબતે બોલાચાલી હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લેતા બે જૂથ સામસામે આવી ગયા હતા જેમાં સાતથી આઠ લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ વરતેજ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ પણ વાંચો: રાજ્યમાં પતંગની દોરી વાગતાં 3 લોકોના મોત, હાલોલમાં 5 વર્ષના બાળકનું ગળું કપાયું
અરવલ્લીમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક
અરવલ્લીના મેઘરજમાં પણ બબાલ થઇ હતી. મેઘરજના પંચાલ ચોકડી પર અસામાજિક તત્ત્વોનો આતંક જોવા મળ્યો હતો. અસામાજિક તત્ત્વોએ હાથમાં બેટ લઇને જાહેરમાં આતંક મચાવી આખા વિસ્તારને બાનમાં લીધો હતો. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સામે સવાલ ઉભા થયા હતા. ચિકાર પીધેલી હાલતમાં અસામાજિક તત્વો હાથમાં બેટ અને ઘાતક હથિયાર લઇને ધસી આવ્યા હતા અને આતંક મચાવ્યો હતો. બેફામ બનેલા અસામાજિક તત્ત્વોએ બેથી ત્રણ લોકોને બેટના ફટકા મારી ઇજા પહોંચાડી હતી.

