ગીર ઇકો સેન્સેટિવ ઝોનના વિરોધમાં કોંગ્રેસ 9 ઓક્ટોબરે અમરેલીથી શરૂ કરશે લડત
Gir Eco Sensitive Zone : જ્યારથી ગીરમાં ઈકો સેન્સેટિવ ઝોનનો વ્યાપ બાંધવાની જાહેર

Gir Eco Sensitive Zone : જ્યારથી ગીરમાં ઈકો સેન્સેટિવ ઝોનનો વ્યાપ બાંધવાની જાહેરાત થઇ છે ત્યારથી જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામમાં સ્થાનિકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. તો ઈકો સેન્સેટિવ ઝોન હટાવવાની સ્થાનિકોની માગને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કહ્યું કે 9 ઓક્ટોબરથી લડતના મંડાણ થશે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, અમિત ચાવડા સહિતના નેતા ધારી આવશે અને ખેડૂતો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણશે.
માળીયાહાટીનામાં તાલુકાના 8 ગામના લોકો ન એકઠા થયા
ગીર ઈકો સેન્સેટિવ ઝોનના નવા કાયદાથી જુનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં તાલુકાના ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી હતી. ધરમપુર ગીર સહિત 8 ગામના મોટી સંખ્યામાં લોકો સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વરજાંગભાઈ મહેતા, ભઈલુ સોલંકી, અનિરુદ્ધસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો આ રેલીમાં જોડાયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ કાયદો હટાવવામાં નહિ આવે, તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી આપી હતી.
માધુપુર ગીર ગામમાં ખેડૂત હિત રક્ષક સમિતિનું મહાસંમેલન મળ્યું
ગીર સોમનાથ જિલ્લામાં અને તેની આસપાસના ક્ષેત્રોમાં કેટલાક ગામના લોકોએ ગીર ઈકો સેન્સેટિવ ઝોનનો વિરોધ કર્યો હતો. તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. તાલાલા તાલુકાને કાયમી ગીર ઈકો સેન્સેટિવ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવે તેવી મહા-સંમેલનમાં માંગ કરવામાં આવી છે. આ સંમેલનમાં તાલાલા તાલુકાના 45 થી વધુ ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.








