VIDEO: લુણાવાડા પાલિકામાં બજેટ અંગેની ચર્ચા માત્ર બે મિનિટમાં પૂર્ણ કરી દેવાતાં કોંગ્રેસનો વિરોધ, ભ્રષ્ટાચારના કરાયા આક્ષેપ
લુણાવાડા નગરપાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આ

લુણાવાડા નગરપાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ દ્વારા સામાન્ય સભા અને બજેટ અંગેની ચર્ચા માત્ર બે મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. આજે આઠ મુદ્દાઓ અંગે સામાન્ય સભા બપોરે 2 વાગ્યે શરૂ થઈ અને 2:02 વાગ્યે પૂર્ણ થતાં કોંગ્રેસ કોર્પોરેટરોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના કોર્પોરેટરોને અંધારામાં રાખીને વિગતવાર ચર્ચા કર્યા વગર ગ્રાન્ટ પસાર કરવાનો ષડયંત્ર રચવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ભ્રષ્ટાચારની ભીતિ વ્યક્ત કરતાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ લુણાવાડા નગરપાલિકા બહાર કપડાં ઉતારી વિરોધ નોંધાવ્યો હતો.
આ પ્રદર્શન દરમિયાન લુણાવાડાના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ પણ જોડાયા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે પ્રમુખે ગેરબંધારણીય રીતે બેઠક બોલાવી અને ભ્રષ્ટાચાર આચરવા માટે બે મિનિટમાં બેઠક પૂર્ણ કરી દીધી, જ્યારે અગાઉ પણ પ્રમુખ કીર્તિ પટેલ સામે એલઇડી કૌભાંડના આક્ષેપો થયા હતા. વિરોધ દરમિયાન ‘હાય રે ભ્રષ્ટાચારી પ્રમુખ હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા હતા.





