મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોકસભા ચૂંટણી 2024: ગુજરાતની આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ક્યારે થશે જાહેર?, આ નેતાને મનાવવાના પ્રયાસ

ચૂંટણીમાં વારંવારના પરાજ્ય મળવા છતાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીના સમયમાં પણ હજુ એકતા કે નિ

લોકસભા ચૂંટણી 2024: ગુજરાતની આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ક્યારે થશે જાહેર?, આ નેતાને મનાવવાના પ્રયાસ

ચૂંટણીમાં વારંવારના પરાજ્ય મળવા છતાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીના સમયમાં પણ હજુ એકતા કે નિર્ણાયકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ભાજપે ઉમેદવારો ક્યારે ફોર્મ ભરશે તે જાહેર કરી દીધું છે ત્યારે સમગ્ર રાજ્યની નજર જેના પર હોય છે તે રાજકોટ બેઠક માટે કોંગ્રેસ હજુ તેના ઉમેદવાર નક્કી કરી શકી નથી અને રૂપાલાનું શું થાય છે તેના ઈંતજારમાં સમય વેડફાઈ રહ્યો છે. જોકે, બેથી ત્રણ દિવસમાં કોંગ્રેસ રાજકોટ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકે છે.

રાજકોટના ઉમેદવાર તરીકે રૂપાલા યથાવત્ જ રહેશે તેવું ભાજપે સ્પષ્ટ જાહેર કરી દીધું છે છતાં કોંગ્રેસના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રૂપાલા જ યથાવત્ રહે તો ભાજપના અમરેલીના પાટીદાર ઉમેદવાર સામે કોંગ્રેસના પણ અમરેલીના જ અને પાટીદાર નેતા પરેશ ધાનાણીને ટિકીટ આપવી અને રૂપાલા બદલાય તો રાજકોટના ડો.હેમાંગ વસાવડાને ટિકીટ આપવી તેવો નિર્ણય લેવાયો છે.

પરંતુ, ભાજપના ઉમેદવારના પ્રચારનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, થોકબંધ મીટીંગો, સભાઓ યોજાઈ ગઈ છે, બૂથ નેટવર્ક ગોઠવાઈ ગયું છે, ક્યા મુદ્દે પ્રચાર કરવો તે પણ નક્કી કરીને ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ હજુ ઉમેદવાર નક્કી કરી શકી નથી. એટલું જ નહીં, શહેર કોંગ્રેસના નેતાઓ વચ્ચે હજુ સંપ અને એકતા પણ જોવા મળતા નથી. વિપક્ષ તરીકે જાણે કે લોકો શાસકથી અતિશય કંટાળે ત્યારે વિજયશ્રીનું પતાસુ મોંમાં આવી જશે તેમ માનીને બેસવાના કોંગ્રેસના વલણથી સવાલો જાગ્યા છે. લોકોમાં ચર્ચા છે કે જો આ સમયે ભાજપ વિપક્ષમાં હોત તો વિવાદ,વિખવાદ,સમસ્યાઓના મુદ્દે ઠેરઠેર સભાઓ ગજવી નાંખી હોત.

કોંગ્રેસે ગુજરાતની 4 બેઠક પર ઉમેદવાર કર્યા નથી જાહેર

કોંગ્રેસે ગુજરાતની લોકસભાની 26 બેઠકમાંથી 4 બેઠક પર હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી. કોંગ્રેસે રાજકોટ, મહેસાણા, અમદાવાદ પૂર્વ, નવસારી બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સાથે મળીને લડી રહ્યાં છે. AAP બે બેઠક (ભરૂચ અને ભાવનગર) બેઠક પર ચૂંટણી લડી રહ્યું છે જ્યારે 24 બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડે છે.

આ સમાચાર શેર કરો