મોટા સમાચાર / રાહુલ ગાંધી આવશે અમદાવાદ, ધરપકડ થયેલા કોંગ્રેસ નેતાઓને મળશે
અમદાવાદમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે બનેલી ઘટના બાદ લોકસભા વિપક્ષ નેતા તેમજ

અમદાવાદમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે બનેલી ઘટના બાદ લોકસભા વિપક્ષ નેતા તેમજ રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી ગુજરાત આવશે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મામલે પત્રકાર પરિષદ કરી હતી, અને ભાજપ તેમજ ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતા.
હવે જાણવા મળતી વિગતો અનુસાર રાહુલ ગાંધી ગુજરાત આવવાના છે. શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીને ગુજરાત આવવા અપીલ કરી છે. રાહુલ ગાંધી અમદાવાદ આવી ધરપકડ થયેલા નેતાઓ-કાર્યકરોને મળશે. કોંગ્રેસ કાર્યકરોને જુસ્સો આપવા રાહુલ ગાંધીને ગુજરાત આવવા નિમંત્રણ અપાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે સમય અને સ્થળ નક્કી કરવાની મથામણ ચાલી રહી છે. 6 જુલાઇએ પ્રદેશ નેતાઓને અમદાવાદ આવવા સૂચના આપી દેવાઈ છે.
ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલી જુલાઈએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિન્દુ પર એક નિવેદન આપ્યું હતું. જેના પર ભારે વિરોધ અને હોબાળો થયો હતો. આ નિવેદન બાદ બીજા દિવસે મંગળવારે (બીજી જુલાઈ)એ અમદાવાદ શહેરના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 20થી 25 લોકોના ટોળાએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી તેમજ રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.






