સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં, AAP સાથે થઇ શકે છે ગઠબંધન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. આ સાથે જ કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણીની

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. આ સાથે જ કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણીની જાહેરાત થતા જ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવશે. 25 જાન્યુઆરીના રોજ મુકુલ વાસનિક અમદાવાદ આવશે. આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઇને પણ ચર્ચા થઇ શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અને AAPએ લોકસભા ચૂંટણી ગઠબંધનમાં લડી હતી.
કોંગ્રેસના સીનિયર નેતાઓ સાથે બેઠક
કોંગ્રેસના ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદમાં કોંગ્રેસના સીનિયર નેતાઓ સાથે બેઠક યોજશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર ગઠબંધનને લઇને પણ ચર્ચા થશે. આ બેઠકમાં કોંગ્રેસના આગામી કાર્યક્રમ અંગે પણ રણનીતિ ઘડવામાં આવશએ. કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ જય બાપુ જય ભીમ અને જય સંવિધાનમાં સમ્મેલન યોજશે. આ સાથે જ ઉમેદવારોની પસંદગીને લઇને પણ ચર્ચા થશે.
કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા AAP તૈયાર- ઇસુદાન ગઢવી
ઇસુદાન ગઢવીએ કોંગ્રેસ સાથે ગઠબંધનની તૈયારી હોવાનું નિવેદન આપ્યું હતું. ઇસુદાન ગઢવીના નિવેદન પર ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. લલિત વસોયાએ કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગઠબંધન નક્કી કરશે. કોંગ્રેસે ગઠબંધન વગર એકલા હાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવી જોઇએ.
વિધાનસભા 2027ની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી જીવંત થવાની છેલ્લી તક
ફેબ્રુઆરી 2017માં જ્યારે છેલ્લી વખત નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી ત્યારે કોંગ્રેસે બોરિયાવી, ઓડ, લુણાવાડા, તલોદ, રાધનપુર, ઝાલોદ, દેવગઢ બારિયા, છોટા ઉદેપુર (BSP સાથે), સલાયા, માણાવદર, વિસાવદર, વંથલી, ચોરવાડ, રાજુલા, ધોરાજી, ભાયાવદર, કૂતિયાણા, વાંકાનેર, ખેડબ્રહ્મા, પારડી નગરપાલિકા જીતી હતી.
ભાજપ માટે 66માંથી 66 પાલિકાઓ જીતવી મોટો પડકાર
ગુજરાત વિધાનસભામાં 162 ધારાસભ્યો ધરાવતા ભાજપ માટે 66માંથી 66 નગરપાલિકાઓ જીતવી મોટો પડકાર છે. વર્ષ 2018ની ચૂંટણીમાં 66માંથી માત્ર 42 પાલિકામાં જ ભાજપને વિજય મળ્યો હતો.
2018ની ચૂંટણીમાં ભાજપને 43.63% મત, કોંગ્રેસને 33.47% મત જ્યારે અપક્ષોને 18.14% મત મળ્યા હતા.
16 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ: 3 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: 4 ફેબ્રુઆરી 2025
મતદાનની તારીખ: 16 ફેબ્રુઆરી 2025 (રવિવાર)
મતદાનનો સમય: સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
મતગણતરીની તારીખ: 18 ફેબ્રુઆરી 2025 (મંગળવાર)
આ પણ વાંચો: રજની પટેલ ગુજરાત ભાજપના કાર્યકારી અધ્યક્ષ! ભાજપના નેતાએ જ પેપર ફોડ્યું
ખેડા જિલ્લા પંચાયત અને ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર નથી કરાઈ
રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 66 નગર પાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ. આ સિવાય ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો. બોરસદ, સોજીત્રા જેમાં OBCની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે.








