મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'આ માનવ સર્જિત આફત', રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને કોંગ્રેસે વખોડી 

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વિપક્ષના નેતાઓ રાજકોટ પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિ

'આ માનવ સર્જિત આફત', રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને કોંગ્રેસે વખોડી 

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વિપક્ષના નેતાઓ રાજકોટ પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ આ ઘટનાને વખોડી હતી. અમિત ચાવડા, પરેશ ધાનાણી, ગાયત્રીબા વાઘેલા, હિંમતસિંહ પટેલ, લલિત વસોયા સહિતના નેતાઓ ગેમ ઝોન પહોંચ્યા હતા.

વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ રાજકોટની ઘટનાને માનવ સર્જિત આપદા ગણાવી હતી. અમિત ચાવડાએ કહ્યું, " રાજકોટની ઘટના બની તેમાં 28 લોકોના મોત થયા છે. તમામ લોકોનો એક જ સૂર જોવા મળી રહ્યો છે કે માનવ સર્જિત આપદા છે. ઘટના બની ત્યારથી જ કોંગ્રેસની ટીમ મદદ માટે ખડેપગે ઊભી હતી. સોમવારે 11 વાગ્યે પ્રેસ કરીને પુરાવાઓ સાથે વાત કરવામાં આવશે."

વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે, "પ્રત્યક્ષ જોવામાં આવ્યું તે લોકો કહે છે કે હદયને હચમચાવી નાખનારી ઘટના છે. કોંગ્રેસ પરિવાર વતી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છીએ."

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ આ ઘટનાને કરૂણ અને દુ:ખદ ગણાવી હતી. શક્તિસિંહ ગોહિલે કહ્યું, "સરદાર પટેલની પ્રતિમા પાસે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવશે. માણસના જીવથી વધુ કશુ જ ના હોય. પૈસાથી માણસના જીવનની તુલના થઇ શક્તી નથી. કોંગ્રેસ સોમવાર સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે."

ગોપાલ ઇટાલિયાએ પણ સવાલ ઉઠાવ્યા

AAPના ગોપાલ ઇટાલિયાએ પણ રાજકોટમાં બનેલી ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને સવાલ ઉઠાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે કહ્યું, અનેકવાર આવી ઘટનાઓ બનતી જોવા મળે છે. ભૂતકાળમાં આવી ઘટનાઓ બની છે તેમાં આરોપીઓને સજા મળી હોય તેવું જોવા મળતું નથી. પુરતો ન્યાય મળે તેવી આપ માંગ કરી રહ્યું છે. ગોપાલ ઇટાલિયાએ રાજકોટના તંત્ર પર આરોપ લગાવ્યો હતો. AAPના નેતાએ કહ્યુ કે, આ આખી ઘટનાના મૂળ આરોપી રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ છે. 4 વર્ષથી આવું ભયજનક ગેમ ઝોન ચાલતું હોય ત્યાં સુધી તંત્રના કાન સુધી વાત ના પહોંચી. FIRમાં મુખ્ય ગુનેગારોના નામ પણ જોવા મળતા નથી."

આ સમાચાર શેર કરો