Coldplayએ અમદાવાદમાં રચ્યો ઈતિહાસ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
Coldplay: બ્રિટિશ બૅન્ડ કોલ્ડપ્લે 'મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ' ટૂર હેઠળ ભારતમાં મુંબ

Coldplay: બ્રિટિશ બૅન્ડ કોલ્ડપ્લે 'મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ' ટૂર હેઠળ ભારતમાં મુંબઈ અને અમદાવાદમાં પર્ફોર્મ કર્યું હતું. આ સાથે જ કોલ્ડપ્લેના 'મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ'ના નામે કોઈ મ્યુઝિકલ કોન્સર્ટમાં સોથી વધુ લોકોની હાજરીનો ગિનિસ વર્લ્ડ રૅકોર્ડ સર્જાયો છે. કોલ્ડપ્લેએ અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટની 'ધ ઈરાસ' ટૂરનો રૅકોર્ડ પણ તોડી નાખ્યો છે. કોલ્ડપ્લેના અમદાવાદમાં બે દિવસના આ કોન્સર્ટમાં 2.23 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી.
ભારતમાં 'મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ’ ટૂરમાં કોલ્ડપ્લેએ મુંબઈ અને અમદાવાદમાં પોતાના કોન્સર્ટથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગિનિસ વર્લ્ડ રૅકોર્ડ્સના ડેટા અનુસાર, 25 અને 26મી જાન્યુઆરીએ બ્રિટિશ બૅન્ડે અમદાવાદમાં સૌથી મોટો શો કર્યો હતો. આ બે દિવસમાં 2.23 લાખથી વધુ ચાહકોએ ભાગ લીધો હતો. નોંધનીય છે કે, અમદાવાદ પહેલાં કોલ્ડપ્લેનો સૌથી મોટો કોન્સર્ટ નવેમ્બર 2024માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યોજાયો હતો. જ્યાં બ્રિટિશ બૅન્ડના કોન્સર્ટમાં 83,000 લોકો હાજર રહ્યા હતા.
https://twitter.com/GWR/status/1884992239262146756
પીએમ મોદીએ કોલ્ડપ્લેનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ પણ ભુવનેશ્વરમાં ‘ઉત્કર્ષ ઓડિશા- મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025’ને સંબોધિત કરતાં કોલ્ડપ્લેની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'છેલ્લાં કેટલાક દિવસોમાં તમે મુંબઈ અને અમદાવાદમાં કોલ્ડપ્લે કૉન્સર્ટની શાનદાર તસવીરો જોઈ હશે. આ તસવીરો એ વાતનો પુરાવો છે કે, લાઇવ કૉન્સર્ટ માટે ભારતમાં કેટલી બધી તકો છે. આજે ભારતમાં કૉન્સર્ટ ઈકોનોમી પણ વિકસી રહી છે. આ દેશ કૉન્સર્ટનો ખૂબ મોટો કન્ઝ્યુમર છે.'






