મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મુખ્યમંત્રીના મદદનીશ નીલ પટેલની CMOમાંથી હકાલપટ્ટી, જીલ્લા પ્રમુખની યાદી લીક કરતા વિવાદ સર્જાયો

મુખ્યમંત્રી કાર્યાલય ફરી એક વખત વિવાદના વમળમાં સપડાયુ છે તેનું કારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંગત

મુખ્યમંત્રીના મદદનીશ નીલ પટેલની CMOમાંથી હકાલપટ્ટી, જીલ્લા પ્રમુખની યાદી લીક કરતા વિવાદ સર્જાયો

મુખ્યમંત્રી કાર્યાલય ફરી એક વખત વિવાદના વમળમાં સપડાયુ છે તેનું કારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંગત મદદનીશ નીલ પટેલની મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ગુપ્ત માહિતી લીક કરવાના આરોપસર નીલ પટેલને છુટા કરાયા છે.

ધ્રુમિલ પટેલ બાદ વધુ એક વિકેટ પડી

છેલ્લાં કેટલાંય વખતથી મુખ્યમંત્રી કાર્યાલય ચર્ચામાં રહ્યુ છે કેમ કે, નકલી PMO કિરણ પટેલ પ્રકરણમાં પુત્રની સંડોવણીને પગલે મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેશ પંડ્યાએ રાજીનામુ ધરવુ પડ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીના અંગત સચિવ ધ્રુમિલ પટેલને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી રવાના કરી દેવાયા હતાં. તેનું કારણ એ હતું કે, ભ્રષ્ટાચાર સહિત અન્ય મુદ્દે છેક વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદો પહોંચી હતી. જોકે, ફરિયાદો છતાં વોર્ડ પ્રમુખ બનાવી ધ્રુમિલ પટેલને સાચવી લેવાયા છે.

જીલ્લા પ્રમુખોની યાદી લીક થતા નીલ પટેલની હકાલપટ્ટી

આ વાત હજુ ભૂલાઇ નથી ત્યાં મુખ્યમંત્રીના અંગત મદદનીશ નીલ પટેલને પણ છૂટા કરી દેવાયાં છે. એવી ચર્ચા છે કે, ભાજપ જીલ્લા પ્રમુખોના નામોની જાહેરાત કરવાની હતી અને તમામ જીલ્લા મથકોએ નીરીક્ષકોને મોકલી પ્રક્રિયા હાથ ધરવાની હતી પણ તે પહેલાં જ નીલ પટેલે જીલ્લા પ્રમુખોની યાદી લીક કરી દીધી હતી. આ ઉપરાંત અન્ય ગુપ્ત માહિતી પણ લીક કરી હોવાનુ કહેવાય છે.

પેપર ફૂટી જતાં રાજ્યસભાના સભ્ય મયંક નાયક સહિતના નીરીક્ષકોએ જિલ્લા મથકે જઇને ભોઠા પડવાનો વારો આવ્યો હતો. કેમકે, નામ જાહેર કરે તે પહેલાં પસંદ થયેલાં જીલ્લા પ્રમુખોને ગંધ આવી ગઇ હતી. આખરે આ મામલે કમલમથી વડાપ્રધાન કાર્યાલયને ફરિયાદ કરવામાં આવી હતી જેની ગંભીર નોંધ લેવામાં આવી હતી. આખરે નીલ પટેલને મુખ્યમંત્રી કાર્યાલયમાં ન આવવા સૂચના આપી દેવામાં આવી હતી. જે સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે.આમ, અંગત મદદનીશથી માંડી અન્ય અધિકારીઓ એક પછી એક વિવાદમાં સપડાઇ રહ્યાં છે જેથી મુખ્યમંત્રી કાર્યાલય પણ ચર્ચામાં રહ્યું છે.

મુખ્યમંત્રી દિલ્હી દોડ્યાંને, રાજકારણ ગરમાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓચિંતા દિલ્હી દોડ્યાં હતાં પરિણામે ફરી એકવાર ભાજપ પ્રદેશ પ્રમુખનો મુદ્દો ગરમાયો હતો. આમેય આ જ સપ્તાહમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જાહેર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે ત્યારે મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતને સૂચક ગણાવાઇ રહી છે. જોકે, સત્તાવાર રીતે કહેવાયુ છે કે, વિકાસના મુદ્દા ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચે તે મુદ્દે વડાપ્રધાન પાસે માર્ગદર્શન મેળવાયુ હતું.

Chief Minister's Assistant Neil Patel removed from CMO

આ સમાચાર શેર કરો