નસવાડીમાં અધિકારીઓ વિહોણી સબ રજીસ્ટાર કચેરી, અઠવાડિયામાં બે દિવસ પણ નથી થતા કામ

નસવાડીમાં સબ રજીસ્ટાર કચેરીમાં અઠવાડિયામાં બે દિવસ અધિકારી આવતા હોવા છતાંય સોમવારના રોજ બપોર સુધી અધિકારીના આવતા દસ્તાવેજ કરવા માટે આવેલા લોકો હેરાન થઈ રહ્યા છે. હજારો રૂપિયા પગાર મેળવતા અધિકારીઓ સમયસર નોકરીમાં પણ આવતા નથી. જયારે લોકોને મુશ્કેલી પડતા ઉચ્ચ કક્ષાએ દસ્તાવેજ કરવા આવેલા લોકોએ રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃ Video: ડભોઈમાં બુટલેગરની બાઈકનો અકસ્માત, બાટલી-પોટલી લેવા લોકોની પડાપડી
લોકોને કલાકો સુધી જોવી પડે છે રાહ
નસવાડી તાલુકાના 210 ગામોમાંથી લોકો જમીનના દસ્તાવેજ કરાવવા માટે અઠવાડિયામાં બે દિવસ આવતા અધિકારીની રાહ જોઈને બેસે છે. સોમવાર અને મંગળવાર અઠવાડિયામાં બે દિવસ સબ રજીસ્ટાર કચેરીમાં અધિકારી આવે છે. સોમવારના રોજ બપોરના એક વાગ્યા સુધી સબ રજીસ્ટાર અધિકારી ન આવતા દસ્તાવેજ કરવા માટે આવેલા લોકો અધિકારીની રાહ જોઈને થાકી જતા ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને રજૂઆત કરી હતી. જયારે અઠવાડિયામાં બે દિવસ અધિકારીઓ આવતા હોય ત્યારે તેઓ સમયસર ન આવે પ્રજાને કલાકો સુધી રાહ જોવી પડે છે.
અધિકારીઓ મારે છે ગલ્લાં
છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં ફરજ બજાવતા અધિકારીઓને પ્રજાની કાંઈ પડી નથી. આ કચેરી નસવાડી તાલુકા સેવા સદનમાં ચાલે છે. મામલતદારની નિગરાણી હેઠળ ચાલતી કચેરીમાં અધિકારીઓ ગુલ્લાં મારતા હોય છે. ત્યારે અન્ય કચેરીઓની શું હાલત હશે. નસવાડી તાલુકામાં અનેક જગ્યાઓ ઉપર તલાટીઓ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ કચેરીઓમાં જતા નથી. ત્યારે હવે દિવસે દિવસે તાલુકા મથકની કચેરીઓમાં પણ અધિકારીઓ પણ ગુલ્લાં મારતા થઇ ગયા છે. નસવાડી સબ રજીસ્ટારની કચેરીમાં અધિકારી સમયસર ન આવતા તણખલાના યાસીનભાઈ મેમણે જિલ્લા રજીસ્ટારને રજૂઆત કરી હતી. જયારે સબ રજીસ્ટાર કચેરીના કર્મકારી રમણભાઈના જણાવ્યા મુજબ સાહેબ હજુ આવ્યા નથી. બપોરનો સમય થઇ ગયો છે. પરંતુ, સાહેબ આવેલ નથી. થોડીવારમાં સાહેબ આવશે. તેવું ફોન ઉપર જણાવેલ છે. જયારે કર્મચારીઓ પણ અધિકારીઓની રાહ જોઈને બેસી રેવાનો વારો આવે છે.

