Video: નસવાડીની અશ્વિન નદી સૂકાતાં 100 ગામોના ખેડૂતો પર સંકટ, ચેકડેમ ન બનાવાતા રોષની લાગણી

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની સૌથી મોટી નદી ગણાતી અશ્વિન નદી હાલ સુકાઈ જતાં આસપાસના 100થી વધુ ગામોના ખેડૂતો અને ગ્રામજનો ચિંતામાં મૂકાયા છે. નદી કિનારે વસેલાં ગામો માટે સિંચાઈના પાણી તેમજ પશુઓની તરસ છીપાવવા માટે નદીનું પાણી ખૂબ જ ઉપયોગી બનતુ હતુ. પરંતુ આ વર્ષે ઓછા વરસાદને કારણે ભરશિયાળે જ અશ્વિન નદી સૂકી ભઠ્ઠ બની ગઈ છે.
નસવાડી તાલુકાની અશ્વિન નદી સૂકાઈ
એક તરફ નદીમાં પાણી નથી, તો બીજી તરફ આ વિસ્તારમાં નર્મદા નહેરનુ પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. પરિણામે ખેડૂતો સામે સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ખેડૂતો દ્વારા અનેક વખત અશ્વિન નદી પર ચેકડેમ બનાવવાની રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
નદીના પાણીના સંગ્રહની તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરી હોત તો આજે આ પરિસ્થિતિ ઊભી ન થાત: સ્થાનિકો
નદી સૂકાવા મામલે સ્થાનિકોએ કહ્યું કે, ચોમાસા દરમિયાન જ્યારે અશ્વિન નદી બે કાંઠે વહેતી હોય છે ત્યારે વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું હોત તો આજે આ પરિસ્થિતિ ઊભી ન થઈ હોત. આ વર્ષે ઓછા વરસાદને કારણે નદી સુકાઈ જતાં આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારના ગામોમાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
પાણી વગર શિયાળુ પાકનું વાવેતર કરવામાં ખેડૂતોને હાલાકી!
ખેડૂતોએ જણાવ્યું કે, અગાઉ ખેડૂતો નદીમાંથી એન્જિન મારફતે પાણી ખેંચીને શિયાળુ પાકનું વાવેતર કરતા હતા, પરંતુ હવે નદીમાં પાણી જ ન હોવાથી ખેડૂતોને શિયાળુ ખેતી કરવી મુશ્કેલ બની છે. બીજી તરફ, બોરવેલમાં પણ પાણી ઓછું થઈ જતાં તે પણ ડચકાં ખાઈ રહ્યા છે.
નસવાડી તાલુકાના 100થી વધુ ગામોના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત
રહીશોના જણાવ્યા અનુસાર, સરકારે નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારના ખેડૂતોને નર્મદા નહેરમાંથી સિંચાઈનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. હાલમાં નસવાડી તાલુકાના 100થી વધુ ગામોના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. ખેતી પર નિર્ભર અનેક પરિવારોને રોજગારી માટે પોતાના ગામો છોડીને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મજૂરી કરવા જવાની ફરજ પડી રહી છે. આ વિસ્તારમાં રોજગારીના અન્ય કોઈ ખાસ સાધનો ન હોવાથી લોકોની આર્થિક સ્થિતિ કથળી બની રહી છે. ખાસ કરીને યુવાનો બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ખેડૂતો અને ગ્રામજનોની મુશ્કેલીઓમાં વધુ વધારો થવાની શક્યતા છે.
આ અંગે પૂર્વ વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, અશ્વિન નદી પર ચેકડેમ બનાવવાની માંગણી અગાઉ અનેક વખત સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા માત્ર કાગળ પર જ વાતો કરવામાં આવે છે. જો સમયસર ચેકડેમ બનાવવામાં આવ્યા હોત અને ચોમાસા દરમિયાન નદીના પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હોત તો આજે આ વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોને આવી દયનીય સ્થિતિનો સામનો કરવો પડ્યો ન હોત.
















