Chhota Udepur news: પોલીસની ભરતી દરમિયાન રનિંગ ટેસ્ટમાં ઉમેદવાર ઢળી પડ્યો, પિતાની નજર સામે પુત્રનું મોત

ગુજરાતના છોટાઉદેપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં છોટાઉદેપુરમાં પોલીસ બનવાનું સપનું આંખોમાં લઈને આવેલા એક આશાસ્પદ યુવકનું ગોધરામાં રનિંગ ટેસ્ટ દરમિયાન મોત નીપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે છોટાઉદેપુરના કોલીયારી ગામનો 27 વર્ષીય જશપાલસિંહ રાઠવા શારીરિક કસોટી માટે વહેલી સવારે દોડી રહ્યો હતો, ત્યારે અચાનક શ્વાસ ચડતા તે જમીન પર ઢળી પડ્યો હતો.
પિતાની નજર સામે જ જશપાલસિંહનું મૃત્યુ નીપજ્યું
પુત્રને પ્રોત્સાહન આપવા આવેલા પિતાની નજર સામે જ જશપાલસિંહનું મૃત્યુ નીપજ્યું હતું. આ અચાનક બનેલી ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર મેદાનમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો હતો.
આ દુઃખદ ઘટનાનો ભોગ બનનાર યુવકનું નામ જશપાલસિંહ રાઠવા હતું અને તે છોટાઉદેપુર જિલ્લાના કોલીયારી ગામનો રહેવાસી હતો. શુક્રવારે વહેલી સવારે ગોધરાના એસ.આર.પી. ગ્રાઉન્ડ પર આયોજિત રનિંગ ટેસ્ટ દરમિયાન જશપાલસિંહ અચાનક શ્વાસ ચડતા જમીન પર ઢળી પડ્યો હતો.

