છોટાઉદેપુર તાલુકાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ખરીદી કૌભાંડના આક્ષેપો, તપાસ માટે 3 અધિકારીઓની સમિતિ રચાઈ

છોટાઉદેપુરના ઝોઝ સ્થિત કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓ માટેની ખરીદીમાં થયેલા કૌભાંડ અંગે GSTVના અહેવાલ બાદ જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીએ મામલાની ગંભીરતા જોઈને તપાસ માટે ત્રણ અધિકારીઓની ખાસ કમિટી બનાવી છે, જેનાથી કૌભાંડી અધિકારીઓ અને સમગ્ર શિક્ષણ વિભાગમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રૂપિયા ૮૦ હજારના સામાન સામે રૂ. ૧.૫૪ લાખ ચૂકવ્યાના આક્ષેપ અને ૨૦૦થી વધુ વિદ્યાર્થીનીઓને બે મહિનાથી ડ્રેસ-બૂટ ન મળતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તપાસ કમિટી દ્વારા બિલ, ચુકવણી અને સુવિધાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી આક્ષેપ કરનાર શિક્ષિકા સહિત સંબંધિતોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. GSTVના અહેવાલની ધારદાર અસરથી હવે શિક્ષણ વિભાગના જવાબદારો સામે કડક દંડાત્મક કાર્યવાહી થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
DDOના આદેશ બાદ તપાસ સમિતિની રચના
કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં આશરે 200 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા હોસ્ટેલ, ભોજન, ડ્રેસ, સ્કૂલ શૂઝ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આક્ષેપ મુજબ, હોસ્ટેલના સામાનની ખરીદીમાં રૂ.80 હજાર જેટલા સામાન સામે સરકારી ચોપડે રૂ.1.54 લાખનું ચુકવણું દર્શાવવામાં આવ્યું હોવાનો મુદ્દો સામે આવ્યો છે એક શિક્ષિકા દ્વારા આ ચુકવણી અંગે વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે. તપાસ સમિતિમાં જિલ્લા પંચાયતના એકાઉન્ટ વિભાગના અધિકારી, શિક્ષણ વિભાગના એક અધિકારી અને જિલ્લા પંચાયતના અન્ય એક અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ દ્વારા સમગ્ર ખરીદી, બિલો, ચુકવણી અને વિદ્યાર્થીનીઓને આપવામાં આવેલી સુવિધાઓ અંગે તપાસ કરી તેનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવશે. આક્ષેપ કરનાર શિક્ષિકા સહિત સંબંધિત શિક્ષકોને પણ તપાસ સમિતિ સમક્ષ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

