આણંદની ચરોતર નાગરિક બેંકને 77 કરોડનો ચુનો લગાવનાર વિરેન્દ્ર પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ
આણંદ-ચરોતર નાગરિક સહકારી બેંકને કથિત રીતે રૂ.77 કરોડનો ચૂનો ચોપડનાર, ભાગેડુ આ

આણંદ-ચરોતર નાગરિક સહકારી બેંકને કથિત રીતે રૂ.77 કરોડનો ચૂનો ચોપડનાર, ભાગેડુ આરોપી વિરેન્દ્ર મણીભાઈ પટેલને અમદાવાદ એરપોર્ટ ઉપરથી પકડી લેવાયો છે. મળતી માહિતી અનુસાર આણંદ ચરોતર નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટર વીરેન્દ્ર મણીભાઈ પટેલ જે ગુજરાત પોલીસના ચોપડે વોન્ટેડ હતો. 2002માં તેની સામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ આવતા જ ધરપકડ
નકલી ડોક્યુમેન્ટ અને ક્રિમિનલ કોન્સ્પિરસી મામલે આ ગુનો વીરેન્દ્ર પટેલ સામે નોંધવામાં આવ્યો, જે પછી તેની નાસ્તો ફરતો હતો જેને પગલે સીબીઆઇએ 3 માર્ચ 2004ના રોજ રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરી હતી, એટલું જ નહીં ઈન્ટરપોલના માધ્યમથી અલગ અલગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સંકલન કરીને તપાસ શરૂ કરી હતી. વીરેન્દ્ર મણીભાઈ પટેલ જ્યારે અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ આવ્યો ત્યારે જ એની ધરપકડ કરી લેવામાં આવી અને ત્યારબાદ કાયદેસર રીતે પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.
તમામ એજન્સીઓ જેમાં ઇમિગ્રેશન વિભાગ સહિત પોલીસ સાથે સંકલન અને આયોજનબદ્ધ રીતે આરોપીને પકડી લીધો છે. એટલું જ નહીં 2021થી અત્યાર સુધીમાં આવા 100થી વધુ વોન્ટેડ આરોપીઓને ભારત પરત આવવા માટે મજબૂર કરવામાં સફળતા મેળવી છે. આ માટે CBIએ ઈન્ટરપોલની પણ મદદ લીધી છે.
આ રીતે આચરવામાં આવ્યું હતું કરોડોનું કૌભાંડ
આણંદ શહેરની ચરોતર નાગરિક સહકારી બેંકમાં અઢી દાયકા પહેલા મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આ બેંક વર્ષ 1997માં રૂ.500 કરોડ ઉપરાંતની ડિપોઝીટ હતી. તેની 12 જેટલી શાખામાં બે લાખથી વધુ ખાતેદારો હતાં. આણંદવાસીઓને બેંક પર એટલો ભરોસો હતો કે, તેમની જીવન મુડી તેઓએ બેંકમાં ફિક્સ ડિપોઝીટ રૂપે મુકી હતી. આ ઉપરાંત કેટલીક નાની બેંકોએ પોતાના ખાતેદારોના કરોડો રૂપિયા ચરોતર નાગરિક બેંકમાં મુક્યાં હતાં.
1997ના જે તે સમયના સંચાલકોએ બોગસ દસ્તાવાજો આધારે તેમના 735 જેટલા મળતીયાઓને રૂ.316 કરોડ જેવી માતબર રકમ ધિરાણ કરી દીધી હતી. આ ધિરાણના પગલે બેંક પાસે રૂ.220 કરોડની ડિપોઝીટ બચી હતી.
બીજી તરફ બેંકમાંથી બોગસ લોન લેનારા શખ્સોએ નિયમિત હપ્તા ન ભરતાં બેન્કની આર્થિક સ્થિતિ કથળવા લાગી હતી. આ સમગ્ર મામલાનો ભાંડો ફુટતાં ભારે હોબાળો થયો હતો. જે તે સમયે લોકોએ પોતાની ડિપોઝીટ પરત લેવા માટે બેંકમાં ધસારો કર્યો હતો. ખાતેદારોની લાઇનો લાગી હતી. આખરે ખાતેદારોને આપવા નાણા ન રહેતા બેંકને ફડચામાં લઇ જવામાં આવી હતી.








