દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના 60 જેટલા પેકેટ મળી આવ્યા, એક સપ્તાહમાં 40 કરોડથી વધુનું ચરસ ઝડપાયું
દ્વારકા દરિયાકાંઠા વિસ્તારમાંથી બિનવારસી ચરસનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત છે. દ્વારકાના વાંચ્છું અને ગોર

દ્વારકા દરિયાકાંઠા વિસ્તારમાંથી બિનવારસી ચરસનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત છે. દ્વારકાના વાંચ્છું અને ગોરિંજા વિસ્તારમાં દરિયાકાંઠેથી ચરસના 60 જેટલા પેકેટ મળી આવ્યા છે. જેની બજાર કિંમત અંદાજિત 21 કરોડથી વધુ હોવાનું મનાઈ છે.
એકાદ સપ્તાહથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર દ્વારકા વિસ્તારના દરિયાકાંઠામાં સધન પેટ્રોલિંગ, ચેકિંગ તેમજ સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. ત્યારે આજે દ્વારકાના વાંચ્છું અને ગોરિંજા ગામ વિસ્તારમાં આવેલા દરિયાકિનારા પાસે ચરસનો જથ્થો પોલીસને મળ્યો હતો.
અગાઉ દરિયાકિનારેથી 30 જેટલા ડ્રગ્સના પેકેટ મળ્યા હતા
ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલા જ દ્વારકાના વરવાળાના ઝવેર નગર વિસ્તાર નજીક દરિયા કિનારેથી 30 જેટલા ડ્રગ્સના પેકેટમાં 32 કિલો ડ્રગ્સનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. આ ડ્રગ્સની બજાર કિંમત અંદાજિત 16 કરોડથી વધુ હોવાનું મનાઈ છે. ત્યારે આજે ફરી અંદાજિત 21 કરોડનું ચરસ મળી આવ્યું છે. પરિણામે 10 દિવસની અંદર 40 કરોડથી વધુનું ચરસ મળી આવ્યું છે.






