જુનાગઢ: દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી વિરૂદ્ધ ગુજસીટોકનો ગુન્હો દાખલ, પોલીસે કરી ધરપકડ
દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી વિરૂદ્ધ ગુજસીટોકનો ગુન્હો દાખલ કરવામા આવ્યો છે. જુનાગઢ પોલીસે રાજુ સો

દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી વિરૂદ્ધ ગુજસીટોકનો ગુન્હો દાખલ કરવામા આવ્યો છે. જુનાગઢ પોલીસે રાજુ સોલંકી સહિત 4 ઈસમોને ઝડપી પાડ્યા છે. તમને જણાવી દઈએ કે, રાજુ સોલંકીએ અગાઉ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની વાત કરી હતી.
દલિત આગેવાન રાજુ સોલંકી વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવા મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામા આવી છે. જેમા પોલીસે જણાવ્યું કે, હત્યાનો પ્રયાસ, ધાક ધમકી, ચોરી, લૂંટ સહિતના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હતા. જેને લઈને રાજુ સોલંકી, જયેશ ઉર્ફે જવો સોલંકી, સંજય સોલંકી, દેવ સોલંકી, યોગેશ બગડા વિરૂદ્ધ ગુજસીટોક કાયદા અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. .
'મુસ્લિમ ધર્મ અંગીકાર કરશું'
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા દલિત યુવાનને જીવલેણ માર મારવાના વિરોધમાં ગોંડલ ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં મોણપરી ખાતે પણ દલિત સમાજની માગણીઓને ન્યાય મળે તે માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત યુવકના અપહરણ કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનુ રાજીનામું અને જયરાજસિંહ જાડેજાની 120બી મુજબની ધરપકડ કરવામાં નહીં આવે તો તે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
શું છે સમગ્ર મામલો
ગોંડલના પૂર્વ ભાજપ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ વર્તમાન ભાજપ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશે જુનાગઢમાં પોતાના સાગરીતો સાથે દલિત યુવક સંજય રાજુભાઈ સોલંકીનું કારમાં અપહરણ કરી નગ્ન કરી માર માર્યો હતો. આ કેસમાં ભોગ બનાનર દલિત યુવક સંજય સોલંકીના નિવેદનને આધારે જુનાગઢ એ ડિવિઝન પોલીસે ગણેશ ગોંડલ સહિત તમામ 11 આરોપીઓ સામે IPC કલમની વિવિધ કલમો, આર્મ્સ એક્ટ તેમજ એટ્રોસીટી હેઠળ ગુનો નોંધ્યો હતો.








