અમદાવાદ: શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ આચરતું કોલ સેન્ટર ઝડપાયું , SMCએ કરી મોટી કાર્યવાહી
શેરબજારમાં નફાકારક રોકાણની લાલચ આપીને મોટી રકમ મેળવ્યા પછી છેતરપિંડી કરતું

શેરબજારમાં નફાકારક રોકાણની લાલચ આપીને મોટી રકમ મેળવ્યા પછી છેતરપિંડી કરતું કોલ સેન્ટર પકડાયું છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ચાંગોદરના મોરૈયા ગામે ઘરમાં ચલાવાતાં ઠગાઈના કોલ સેન્ટરમાંથી પાંચને ઝડપ્યાં છે.
પાંચ આરોપી પકડાયાં
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ચાંગોદરના મોરૈયા ગામે સોપાનવિલા સોસાયટીના એક ઘરમાં દરોડો પાડયો હતો. કોલ સેન્ટર ચલાવતા મુખ્ય આરોપી 25 વર્ષીય સંજય ઠાકોર, દિલીપ ઠાકોર, લક્ષ્મણ ઠાકોર, વિપુલ ઠાકોર અને રાહુલ ઠાકોરને પકડી પાડયા હતા. આરોપીઓ પાસેથી કુલ 19 મોબાઈલ ફોન ઉપરાંત 30 લાખની કિંમતની એક કાર, 55000 રોકડા સહિત 31 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગ્રાહકનો સંપર્ક કટ કરી નાંખવામાં આવતો
પી.આઈ. જી.આર. રબારી અને ટીમની તપાસમાં એવી વિગતો ખુલી છે કે, આરોપીઓ ગુજરાત સહિત દેશભરમાં લોકોને ફોન કરીને શેરબજારમાં રોકાણ અને નફાની લાલચ આપતી ટીપ્સ આપતાં હતાં. શરૂઆતમાં નફો થાય એટલે રોકાણકાર વધુ રોકાણ કરતાં હતાં. મોટી રકમનું રોકાણ થાય એટલે એ ગ્રાહકનો સંપર્ક કટ કરી નાંખવામાં આવતો હતો.
આ પણ વાંચો: રાજકોટ: બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતાં મેડિકલની વિદ્યાર્થીનીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ,181ની ટીમે બચાવ્યો જીવ
મહેસાણામાં કોલ સેન્ટર પકડાયું તે પધ્ધતિથી સજય ઠાકોરે ચાર કોલરને રાખીને એક મહિનાથી મોરૈયા ગામના મકાનમાં ઠગાઈનું કોલ સેન્ટર ચાલુ કર્યું હતું. આરોપીઓએ એક મહિનામાં કેટલા લોકોને છેતર્યા તેની વિગતો જાણવા માટે એક રજીસ્ટર ઉપરાંત ફોન નંબરના લિસ્ટ મળતાં તેના આધારે તપાસ હાથ ધરાઈ છે. 19 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યાં છે તેની વિગતો મેળવીને ઠગાઈના કોલ સેન્ટરની અતઃથી ઈતિ જાણવામાં આવશે.






