મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BZ કૌભાંડ: સરકારી નોકરી છતાં વસાવી વૈભવી કાર,એજન્ટ શિક્ષકો શાળાઓમાં ગેરહાજર

ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ

BZ કૌભાંડ: સરકારી નોકરી છતાં વસાવી વૈભવી કાર,એજન્ટ શિક્ષકો શાળાઓમાં ગેરહાજર

ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 6000 કરોડ ઉઘરાવ્યા પછી ફરાર થઇ ગયો છે. BZ ગ્રુપમાં રોકાણ કરાવનાર એજન્ટોનો એક પછી એક ખુલાસો થઇ રહ્યો છે. માલપુરના મયુર દરજી પછી અરવલ્લીના વધુ એક એજન્ટનો વીડિયો સામે આવ્યો છે. એક શિક્ષક એજન્ટને ભૂપેન્દ્ર ઝાલાએ મર્સિડિઝ કાર ગિફ્ટ આપી હોવાનો વીડિયો વાયરલ થયો છે.જોકે, આ મામલે CID ક્રાઇમ વધુ તપાસ કરી રહી છે.

મયુર દરજી પછી અરવલ્લીના શિક્ષક એજન્ટનો વીડિયો વાયરલ

BZના કરોડાના કૌભાંડમાં અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક શાળાના એક શિક્ષકે મોડાસામાં BZની બ્રાન્ચ શરૂ કરી હતી. આ શિક્ષકતને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મર્સિડિઝ કાર પણ ગિફ્ટ કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. 

પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાની જગ્યાએ શિક્ષકો BZ ગ્રુપના એજન્ટ બનીને તગડી કમાણી કરતા હોવાનું સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હવે સરકાર આવા શિક્ષકો સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

કૌભાંડ બહાર આવતા લોન ઉપર કાર લીધી હોવાનું એજન્ટ શિક્ષકનું રટણ

શિક્ષક વી.ડી.પટેલના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં શિક્ષકને BZના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા મર્સિડિઝ કારની ચાવી આપતા હોવાનું દેખાઇ રહ્યું છે. જોકે, કાર ખરીદ્યા બાદ વી.ડી.પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં BZ ગ્રુપનો આભાર માનતી પોસ્ટ અને વીડિયો મુકવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે આવી મોનોપોલી બતાવી વધુ શિક્ષકોને BZ ગ્રુપમાં આકર્ષવા માટેનું આ એક કારસ્તાન હતું. સમગ્ર મામલે વિવાદ ઉભો થતા શિક્ષક એજન્ટ મર્સિડિઝ કાર લોન ઉપર લીધી હોવાનું રટણ કરી રહ્યાં છે પરંતુ પ્રશ્ન એ છે કે સરકારી ઉંચો પગાર હોવા છતા લાખો રૂપિયાની લોન લઇને વૈભવી કાર વસાવવા પાછળનું કારણ શું હોઇ શકે?

સાબરકાંઠાના એક પોલીસ અધિકારીના ઘરે CIDના દરોડા

BZ ગ્રુપના કૌભાંડ મામલે હવે તપાસનો રેલો પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો છે. CID ક્રાઈમ દ્વારા સાબરકાંઠામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. CID ક્રાઈમની ટીમે હિંમતનગરમાં પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પોલીસ અધિકારી ગુજરાત પોલીસમાં PI તરીકે ફરજ બજાવે છે.હિંમતનગર - ઈડર રોડ પર આવેલ પોલીસ ઇન્સ્પેક્ટરના બંગલામાં તપાસ કરાઈ હતી. જો કે સર્ચ દરમિયાન CID ક્રાઈમને કોઈ જ શંકાસ્પદ વસ્તુઓ હાથ લાગી નહતી. PI પાસે રહેલી બ્લેક વૈભવી કાર પણ ગાયબ છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કર્મચારીના નામે ખરીદવામાં આવેલ કાર પોલીસ ઇન્સ્પેક્ટરને ભેટમાં અપાઈ હતી. વૈભવી કારને લઈને પણ CID ક્રાઇમે તપાસ હાથ ધરી છે.

ભુપેન્દ્ર ઝાલાનો ફરાર એજન્ટ ધવલ પટેલ ઓસ્ટ્રેલિયામાં?

ભુપેન્દ્ર ઝાલાના કૌભાંડ બાદ CID ક્રાઇમ તેના મળતીયાઓને શોધી રહી છે. જેમાં એકનામ ધવલ પટેલનું પણ છે. ભુપેન્દ્ર ઝાલાનો ફરાર એજન્ટ ધવલ પટેલની હિંમતનગરમાં પેથોલોજી લેબ ચાલી રહી છે. હિંમતનગર ખાતે આવેલી અક્ષર લેબોરેટરીનો માલિક ધવલ પટેલ છે. ધવલ પટેલ ઓસ્ટ્રેલિયાના PR વિઝા ધરાવે છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ધવલ પટેલ ગુજરાતના ડોક્ટરોનું બીઝેડમાં રોકાણ કરાવતો હતો. અંદાજે 200 થી 250 કરોડનું રોકાણ કરાવ્યું છે.

ખેડા જિલ્લાના એજન્ટો અને શિક્ષક ભૂગર્ભમાં ઉતર્યા

BZ કૌભાંડના તાર ખેડા જીલ્લામાં પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. BZના બે એજન્ટો ઉત્કંઠેશ્વર મહાદેવના કિરીટ સેવક અને પોપટસિંહ ચૌહાણની જુગલજોડીએ રોકાણકારોના કરોડો ડુબાડ્યા હોવાનું સામે આવ્યું છે. કપડવંજ તાલુકાના વાઘજીપુર ગ્રામજને BZ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતા હતા. પોપટસિંહ સોમજીભાઈ ચૌહાણ શિક્ષક તરીકે ખેડબ્રહ્માની પરોયા શાળામાં ફરજ બજાવે છે. હાલ વાઘજીપુર ગામ ખાતેના મકાનમાં તાળા લટકેલા જોવા મળ્યા છે. BZ પોન્ઝી સ્કીમની ઘટના બહાર આવતા શિક્ષક અને તેનો પરિવાર ગામ છોડી ભૂર્ગભમાં ઉતરી ગયા છે. ચંદ્રકાન્ત સેવકના 57 લાખની પૈતૃક સંપત્તી વેચી જીવનમૂડી જોખમમાં જતા આભ ફાટ્યું છે. વિસ્તારમાં અનેક લોકોને BZ સ્કીમમાં નાણાં રોકાવ્યા હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો: BZ કૌભાંડમાં નવો વળાંક, જામીન અરજી પર સુનાવણીમાં એજન્ટ મયુર દરજીએ કહ્યું ‘છેતરવાની વાત હોઈ તો મારા રૂપિયા…’

એજન્ટ શિક્ષકો પર આકરી કાર્યવાહી થશે - સાબરકાંઠા DPEO

BZ કૌભાંડમાં સરકારી શિક્ષકોની સંડોવણી સામે આવતા સાબરકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગે પણ કાર્યવાહી તેજ કરી છે. સાબરકાંઠા DPEO કેયૂર ઉપાધ્યાયે પોન્ઝી સ્કીમ મામલે જાણકારી આપી છે કે સ્કીમમાં જોડાયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરાશે. શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરાશે. શિક્ષણ વિભાગે આચાર્યો, તાલુકા અને જૂથ સ્તરના અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. શિક્ષકોની પ્રવૃત્તિઓ જાણવા અને બીઝેડ સાથે સંકળાયેલાનો અહેવાલ તૈયાર કરાશે. મીડિયામાં એજન્ટ શિક્ષકોના નામ સામે આવતા માહિતી આધારે પણ તપાસ શરુ કરાઈ છે.

ભુપેન્દ્ર ઝાલા સાથે મંત્રી પુત્ર અને અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખનો વીડિયો

ઠગ ભુપેન્દ્ર ઝાલા સાથે મંત્રીના પુત્ર અને અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અગાઉ MLA અને મંત્રી ભીખુસિંહ પરમારનો ઠગ ભુપેન્દ્ર ઝાલાના વખાણ કરતો વીડિયો વાયરલ થયો હતો. BZ groupના મૈત્રી ટ્રસ્ટમાં મંત્રી પુત્ર કિરણસિંહ પરમાર અને યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલ ટ્રસ્ટી હોવાનું સામે આવ્યું છે. મંત્રી પુત્ર કિરણસિંહ પરમાર અને યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલને ઠગ ભુપેન્દ્ર ઝાલાએ ગાડી પણ ગિફ્ટ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. અવારનવાર ઠગ ભુપેન્દ્ર ઝાલા સાથે મંત્રી પુત્ર કિરણસિંહ પરમાર અને યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલ અનેક કાર્યક્રમોમાં હાજરી આપતા હતા. મંત્રી પુત્ર કિરણસિંહ પરમાર અને યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલ ઠગ ભુપેન્દ્ર ઝાલાના ખાસ મિત્ર હોવાનું સામે આવ્યું છે.

સેવાકીય પ્રવૃત્તિઓના નામે શિક્ષકોને BZ ગ્રુપમાં આકર્ષવામાં આવતા

BZ કૌભાંડમાં રોકાણકારો તરીકે સરકારી કર્મચારીઓના નામ ચર્ચાઈ રહ્યા છે ત્યારે BZ ગ્રુપનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુરના વણઝરીયા અને ગોવિંદપુરા ગામની પ્રાથમિક શાળાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે BZ ગ્રુપનો એક એજન્ટ સરકારી શાળાઓમાં સેવાકીય પ્રવૃત્તિના નામે વર્ગખંડમાં બાળકોને સોફ્ટ ડ્રિન્ક / એનર્જી ડ્રિન્ક આપી રહ્યો છે. જયારે એક શિક્ષિકા બેન વર્ગખંડમાં બોર્ડ પર ‘BZ ગ્રુપ’ લખતા નજરે પડે છે. વીડિયોના અંતમાં શાળાના શિક્ષકે BZ ગ્રુપના એજન્ટને કામગીરીની સરાહના કરતો પત્ર લખી આપ્યો. જે બાદ આવા વીડિયો સોશિયલ મીડિયામાં મુકવામાં આવતા હતા. જો કે પ્રથમ દ્રષ્ટિએ BZ ગ્રુપના આવા વીડિયો સેવાકીય પ્રવૃત્તિઓનો લાગે છે. પરંતુ સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે સેવાકીય પ્રવૃત્તિઓના નામે આવા વીડિયો બનાવી સરકારી શિક્ષકોને BZ ગ્રુપમાં રોકાણ કરવા અને આકર્ષવા માટે મુકવામાં આવતા હતા. આ મામલે હજુ કોઈ અધિકારીક પૃષ્ટિ કરવામાં આવી નથી. 

એજન્ટ મયુર દરજીએ BZ સ્કીમમાં 1 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું

BZ કૌભાંડની તપાસમાં CID ક્રાઈમને મહત્વની જાણકારી મળી છે. CID ક્રાઈમને રેડ દરમિયાન મળેલા એગ્રીમેન્ટની તપાસ કરતા રોકાણકારો અને એજન્ટોની વિગતો સામે આવી છે. આરોપી મયુર દરજીએ એજન્ટ તરીકે કુલ 39 રોકાણકારોને BZ ગ્રુપમાં રોકાણ કરાવ્યું છે. એજન્ટ મયુર દરજીએ પોતાના પરિવાર અને અન્ય લોકોનું રૂ.10 હજારથી લઈ 10 લાખ સુધીનું BZ ગ્રુપમાં રોકાણ કરાવ્યું હોવાની માહિતી મળી છે. મયુર દરજીએ કુલ 39 રોકાણકારોના કુલ રૂ.1,09,81,000નું રોકાણ કરાવ્યું હતું. મયુર દરજીના SBI એકાઉન્ટમાં BZ ફાયનાન્સિયલ સર્વિસના એકાઉન્ટમાંથી રૂ. 15.60 લાખનું રોકાણકારોને રોકાણ કરાવી કમિશન પેટે મેળવ્યા હતા. BZ કૌભાંડ મામલે રોકાણકારો CID ક્રાઈમને નિવેદન આપવા અને ફરિયાદ લખાવવા માટે આવી રહ્યા છે, જેના નિવેદન અને દસ્તાવેજી પુરાવા એકઠા કરવાની કામગીરી ચાલી રહી છે. મયુર દરજીની જામીન અરજી પર CID ક્રાઈમે કોર્ટમાં સોગંદનામુ કર્યું છે.

આ સમાચાર શેર કરો