TRP કાંડ: મનસુખ સાગઠિયાના આલિશાન મહેલ પર ફરશે દાદાનું 'બુલડોઝર', તંત્રએ શરૂ કરી તૈયારી
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલી વ

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલી વધી છે. પોતાના કાર્યકાળમાં કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત બાદ મનસુખ સાગઠિયાએ પોતાના સપનાનો મહેલ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. હવે આ આલિશાન મહેલ પર બુલડોઝર ફરી શકે છે. મનસુખ સાગઠિયાના મહેલને તોડવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે.
મનસુખ સાગઠિયાના મહેલ પર ફરશે બુલડોઝર
રાજકોટ સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાના સપનાના મહેલ પર બુલડોઝર ફરી શકે છે. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર તૈયાર થઇ રહેલા મનસુખ સાગઠિયાના આલિશાન મહેલ પર ગમે ત્યારે બુલડોઝર ફરી શકે છે. મનપા પદાધિકારીઓ દ્વારા અધિકારીઓ પાસે મનસુખ સાગઠિયાની હવેલીને લઇને વિગતો માંગવામાં આવી છે. ગમે ત્યારે પદાધિકારીઓના નિર્ણય બાદ મનસુખ સાગઠિયાના મહેલ પર બુલડોઝર ફરી શકે છે.
મનસુખ સાગઠિયાની કરોડોની અપ્રમાણસર મિલકત મળી હતી
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત બાદ રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. રાજકોટના ઇતિહાસમાં કોઇ ભ્રષ્ટ અને ક્લાસ વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકત છે. ACBએ તપાસ શરૂ કરતા 2012ની વર્ષથી લઇ 2024ના વર્ષ દરમિયાન મનસુખ સાગઠિયાએ તેની દેખીતી આવક કરતા ભ્રષ્ટ રીત રસમો અપનાવી 10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કર્યાનું બહાર આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.








