બ્લેકના રૂપિયા લાવો 15 ટકા કમિશન આપીને વ્હાઇટ કરી લઇ જાવ, મહેન્દ્ર શાહનું એન્ટ્રી ઓપરેટરનું સૌથી મોટું નેટવર્ક
અમદાવાદ શહેરના પાલડીમાં રહેતા મહેન્દ્ર શાહને માત્ર અમદાવાદના જ નહીં પરંતુ, સમગ્ર ગુજ

અમદાવાદ શહેરના પાલડીમાં રહેતા મહેન્દ્ર શાહને માત્ર અમદાવાદના જ નહીં પરંતુ, સમગ્ર ગુજરાતમાં કાળા નાણાંને વ્હાઇટ કરવાના ગોરખધંધાના કિંગ માનવામાં આવે છે. તેના હાથ નીચે સમગ્ર ગુજરાતમાં ખુબ મોટા પ્રમાણમાં એન્ટ્રી ઓપરેટરો કામ કરે છે. કરોડો રૂપિયા આસાનીથી એન્ટ્રી કરીને બ્લેકના વ્હાઇટ કરી આપે છે. થોડા દિવસ પહેલા 20 કરોડની રોકડ સાથે ઝડપાયેલો સંજય શાહ પણ મહેન્દ્ર શાહ માટે કામ કરતો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મહેન્દ્ર શાહ છેલ્લાં ઘણા વર્ષોથી ડબ્બા ટ્રેડિંગનો સૌથી મોટો કારોબાર
મહેન્દ્ર શાહ છેલ્લાં ઘણા વર્ષોથી ડબ્બા ટ્રેડિંગનો સૌથી મોટો કારોબાર કરે છે. સાથેસાથે તેને કેટલાક બિલ્ડર્સ, રોકાણકારો સાથે પણ સીધી સાંઠગાંઠ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં તેણે બિલ્ડરોની સ્કીમમાં ખુટતા નાણાં ચોક્કસ વ્યાજ સાથે આપવાની સાથે બહારથી આવતા કાળા નાણાંને પણ કાયદેસરના કરી આપવા માટેનું કામ પણ મોટા પ્રમાણમાં કરે છે. જેમાં તે કાળા નાણાંને કાયદેસર કરવાના બદલામાં 15 ટકા કમિશન લઇને તેના હાથ નીચે કામ કરતા એન્ટ્રી ઓપરેટરને રોકડ આપીને તેને અન્ય લોકોના બેંક એકાઉન્ટમાં જમા કરાવીને તેને રોકડમાં ઉપાડીને નાણાંને વ્હાઇટના કરી આપતો હતો. સાથે સાથે એવી પણ વિગતો મળી છે કે નાણાં હવાલાથી મોકલીને તેની સામે દુબઇ તેમજ અન્ય દેશોમાંથી ગેરકાયદે ગોલ્ડ મંગાવતો હતો.
500થી વધુ એન્ટ્રી ઓપરેટરો મહેન્દ્ર શાહ માટે કામ કરે છે
સુત્રોના જણાવ્યા આશરે 500થી વધુ એન્ટ્રી ઓપરેટરો મહેન્દ્ર શાહ માટે કામ કરે છે. જે અન્ય લોકોના દસ્તાવેજના આધારે બેંક એકાઉન્ટ ખોલીને તેમાં નાણાંની એન્ટ્રી કરતા હતા. થોડા દિવસ પહેલા પાલડીમાંથી 20 કરોડની રોકડ સાથે ઝડપાયેલો સંજય શાહ પણ મહેન્દ્ર શાહ માટે એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતો હોવાની માહિતી એજન્સીને મળી છે.
DRI અને ATS દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા
અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી DRI અને ATS દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફ્લેટમાંથી એજન્સીઓએ 100 કિલો સોનું અને કરોડોની રોકડ જપ્ત કરી છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમગ્ર મામલે થઈ રહેલી ચર્ચા અનુસાર, હજુ 400 કિલો સોનું ઝડપાયું હોવાની વાત ચાલી રહી છે. આ સાથે 50 કરોડથી વધુની રોકડ રકમ મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ (DRI) અને ગુજરાત ATSના અધિકારીઓએ સોમવારે મેગા ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદ શહેરના પાલડી ખાતે મહાલક્ષમી ચાર રસ્તા પાસે આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં દરોડા પાડ્યા હતા. જેમાં શેરબજારમાં ઓપરેટર તરીકે કામ કરતા મહેન્દ્ર શાહ અને તેના દીકરા મેઘ શાહે ભાડે રાખેલા ફ્લેટમાંથી 100 કિલો સોનું અને એક કરોડથી વધુની રોકડ જપ્ત કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં ડબ્બા ટ્રેડીંગના કાળા નાણાંનું ગેરકાયદે રોકાણ ગોલ્ડમાં કરવામાં આવતું હતું. ત્યારે ડીઆરઆઇ અને એટીએસના 35થી વધુ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં વધુ રોકડ અને ગોલ્ડ મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.








