VIDEO: 'રાખી સાવંત' માપે રહેજો તો મજા આવશે, સાંભળજો 'આપશ્રી' ને જ કહું છું-બ્રિજદાન ગઢવી
ગુજરાતમાં લોકસાહિત્યકારોની એક અનોખી જ લોકચાહના છે. એવામાં હવે ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને જાણ

ગુજરાતમાં લોકસાહિત્યકારોની એક અનોખી જ લોકચાહના છે. એવામાં હવે ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને જાણીતા કલાકાર બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે જૂનો વિવાદ હતો તે ફરી શરૂ થયો છે. અગાઉ બંને વચ્ચેના વાક યુદ્ધ વધતાં સમાજ દ્વારા બંને કલાકારોનું મઢડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન કરાવવામાં આવ્યું હતું. વીડિયોમાં બંનેએ ઉલ્લેખ પણ કર્યો હતો કે, કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મન દુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું. જોકે, હવે ફરી એકવાર દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે. જેમાં દેવાયત ખવડે વળતો પ્રહાર કરતા કહ્યું કે, 'હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ.'
બ્રિજદાન ગઢવીએ કહ્યું-માપે રહેજો
બન્ને કલાકારો વચ્ચેનું આ વાકયુદ્ધ ફરી શરુ થઈ ગયું છે, જેમાં હવે બ્રિજદાન ગઢવીએ ખવડને જવાબ આપતા વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, 'એમના જે સંસ્કાર છે, તેનાથી સૌ કોઈ વાકેફ છે, પણ મારા જે સંસ્કાર છે હું તેમને એ રીતે જ જવાબ આપીશ. મારા આટલા વર્ષની કારકિર્દિમાં તમે મારો ક્યારેય કોઈની સાથે વિવાદ થતો જોયો? હું કોઈ દિવસ વિવાદમાં પડવાવાળો માણસ જ નથી. આ બધી બાબતથી પર રેવાવાળો માણસ છું. આ ભાઈ છે ને એણે સમાધાન પછી મારા ખૂબ ચાળા કર્યા છે. પણ જ્યાં સુધી સહન થતું હતું ત્યાં સુધી કર્યું, પછી એને જવાબ દેવો ખૂબ જરુરી હતો એટલે એને જ દીધો છે, આ પાક્કુ હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં. એને જે મજા આવે એ એને છૂટ છે.'
ક્યાંથી શરૂ થયો વિવાદ?
પહેલી જાન્યુઆરીના દિવસે બ્રિજરાજ દાન ગઢવીના ડાયરાનું આયોજન હતું. જેમાં તેઓએ દેવાયત ખવડના નામ લીધા વિના કટાક્ષ કરતાં કહ્યું હતું કે, 'સાગર હમણાં કહેતો હતો કે, 2025થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે.' જેને દેવાયત ખવડ પર કટાક્ષ તરીકે લેવામાં આવ્યું હતું. કારણકે, દેવાયત ખવડે 2022માં કહ્યું હતું કે, 2025થી હું સિલેક્ટેડ ડાયરા કરીશ.
હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશઃ દેવાયત ખવડ
ત્યારબાદ હવે બ્રિજરાજ દાન ગઢવીને દેવાયત ખવડે વળતો જવાબ આપ્યો છે. દેવાયત ખવડે પોતાના ડાયરામાં પ્રહાર કરતાં કહ્યું કે, '2022માં મેં નિવેદન આપ્યું હતું કે, 2025માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતાં યાર. તમે મને પૈસા આપ્યા છે કલાકાર તરીકે, તમે મને ડાયલોગબાજી તો કરવા બોલાવ્યો નથી. સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થઈ ગયા પછી પણ બોલ્યા. એમને તો માનો મલાજો રાખતા પણ ન આવડ્યું, ખાલી માની શરમ તો ભરી હોત. હું તો માના મંદિરમાં ઉભો હતો એટલે માફી માંગી હતી. અને જો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે કોઈ મારી જોડે માફી મંગાવી દે તો તે દિવસથી ડાયરા મૂકી દઈશ.'
દેવાયત ખવડનો વળતો પ્રહાર
આ સિવાય દેવાયત ખવડે ઉમેર્યું કે, 'ઘણાં મને કહે છે કે, મૌન રહેવું. ત્યારે હું કહુ છું કે, મૌન રહીને ડાયરા મૂકવા કરતાં મને લડીને ડાયરા મૂકવા દો. હવે હું વટથી કહુ છું કે, શ્વાસ ચાલે ત્યાં સુધી લડવું છે. પહેલાં એવું હતું કે, સિલેક્ટેડ ડાયરા કરવા છે. પણ આમને એવું લાગ્યું કે, મેદાન ખાલી છે તો દેવાયત એમ થોડી ચોકા-છક્કા મારવા દે યાર.'
આ પણ વાંચોઃ ખુદ 'શી' ટીમે 100 નંબર પર મદદ માંગવી પડી, તો અન્ય નાગરિકોની સુરક્ષા 'રામ ભરોસે'!
બે વર્ષ પહેલાં કેમ થયો હતો વિવાદ?
નોંધનીય છે કે, બે વર્ષ પહેલાં 2022માં રૂપલમાં જન્મોત્સવ નિમિતે યોજાયેલા લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર પ્રહારો કર્યા હતા. જેમાં કહ્યુ હતું કે, “જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે. હું ઈશરદાનનું લોહી છું. એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.” જેનો વળતો પ્રહાર કરતાં દેવાયત ખવડે કહ્યું હતું કે, “મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા માયકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય.' ત્યારબાદ સમાજ દ્વારા સોનબાઈના મંદિર ખાતે સમાજ દ્વારા બંને કલાકારો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ ઘણો વાઈરલ થયો હતો.








