ખુદ 'શી' ટીમે 100 નંબર પર મદદ માંગવી પડી, તો અન્ય નાગરિકોની સુરક્ષા 'રામ ભરોસે'!
ગુજરાત સકરકાર અને પોલીસ વિભાગ મહિલાઓની સુરક્ષા માટે મોટા-મોટા દાવાઓ કરે છે. પરંતુ, હકીકત એ છે કે ખુદ મહિલા પોલીસ જ સુર

ગુજરાત સકરકાર અને પોલીસ વિભાગ મહિલાઓની સુરક્ષા માટે મોટા-મોટા દાવાઓ કરે છે. પરંતુ, હકીકત એ છે કે ખુદ મહિલા પોલીસ જ સુરક્ષિત નથી. અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકરબા ફાટક નજીક શી-ટીમના બે લોકરક્ષક દળના મહિલા જવાનો નિર્ભયા પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા તપાસવા માટે જતા હતા, ત્યારે વાનમાં આવેલા ચાર લુખ્ખાઓએ રસ્તામાં તેમને આંતરીને ધમકી આપી હતી. છેવટે તેમણે પોલીસની મદદ લીધી હતી. ત્યારે પોલીસના સબસલામત હોવાના દાવાને લઇને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.
ખુદ મહિલા પોલીસ જ સુરક્ષિત નથી તો...
મહત્ત્વનું છે કે, રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા પણ મોટામોટા દાવાઓ કરવામા આવતા હોય છે. ત્યારે પોલીસ વિભાગની જ મહિલા પોલીસ સુરક્ષિત ન હોવાની ઘટના સામે આવતા રાજ્ય સરકાર શરમમાં મુકાઈ હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. કારણ કે પોલીસ વિભાગની મહિલાઓએ જ પોતાની સુરક્ષા માટે મદદ માંગવી પડતી હોય તો સામાન્ય મહિલાઓની સ્થિતિ શું હશે, એ તમે સમજી શકો છો.
પોલીસ ક્યાં સુધી બિચારી બનીને રહેશે?
થોડાક સમય પહેલા જ રખિયાલનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં તલવાર લઈને તાંડવ કરવામા આવ્યું હતું. દરમિયાન આ લુખ્ખા તત્વોએ પોલીસને ધમકાવીને પાછી ગાડીમાં બેસાડી દીધી હતી. આ સમગ્ર કાંડ બાદ પોલીસ જાણે બિચારી-બાપડી હોય એ રીતે ફજેતી થતા તંત્ર આખું શરમમાં મુકાયું હતું. ત્યારે હવે ગણતરીના દિવસોમાં જ અમદાવાદ શહેરમાં આનંદનગર પોલીસ સ્ટેશનની 'શી' ટીમને લુખ્ખાઓએ ધમકી આપી અને ખુદ પોલીસે જ મદદ માંગવાની નોબત આવી અને એ પણ 100 નંબર પર ત્યારે સવાલ એ થાય કે આખરે ક્યાં સુધી તંત્ર આંખ આડા કાન કરતું રહેશે.
વરઘોડા કાઢવાથી ગુનેગારોને ફેર પડે છે ખરો?
હમણા છેલ્લા કેટલાક સમયથી પોલીસ આરોપીઓને પકડીને તેમની બરોબરની સરભરા કર્યા પછી, તેમના વરઘોડા એટલે કે જાહેરમાં સરઘસ કાઢી રહી છે. ખુદ ગૃહમંત્રીએ એકાદ મહિના પહેલા જણાવ્યું હતું કે, 'ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના સામાન્ય નાગરિકોને જોઈ કોઈ ટપોરી હેરાનપરેશાન કરશે તો તેના વરઘોડા તો જરુરથી નિકળશે. આમ તેમ દોડવાની ઘણી આદતો હોય પરંતુ પોલીસ જોડે પાલો પડે તો ચાલવાની તકલીફ પડવી જોઈએ. રાજ્યના નાગરિકની શાંતિ, સલામતી અને સુરક્ષા એ પોલીસની જવાબદારી છે.' ગૃહમંત્રીએ 'હર્ષભેર' આવું જાહેરમાં કહ્યું હતું, પરંતુ આ વરઘોડા કાઢવાથી પોલીસની છાપ જાણે સમાચારોમાં છવાયેલા રહેવા કે સતત ચર્ચામાં રહેવાનું ગતકડું સાબિત થતી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અમદાવાદ જેવા મેગા સિટીમાં એક મહિના જેટલા સમયગાળામાં પોલીસ જ 'બિચારી-બાપડી' બની હોવાની બે ઘટનાઓ ઘણી શંકાઓ ઉપજાવે છે. એક તરફ લુખ્ખા તત્વોથી ડરીને પાછા ગાડીમાં બેસી જવું અને 'શી' ટીમને ધોળેદિવસે પોતાના માટે જ મદદ માંગવી પડી, એના પરથી અંદાજો લગાવી શકાય છે કે વરઘોડા કલ્ચરથી ગુનેગારો પર પોલીસની જે છાપ પડવી જોઈએ એ નથી પડી પણ એ ફક્ત સમાચારોમાં વાહવાહી લૂંટવા પુરતી જ રહી ગઈ છે.
શું બની હતી ઘટના?
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે આનંદનગર પોલીસ સ્ટેશનની શી ટીમમાં ફરજ બજાવતા એલઆરડી વનિતાબેન અને એલઆરડી વૈશાલીબેન સોમવારે સાંજના સાડા પાંચ વાગ્યે આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને મહિલા ઇમરજન્સી બોક્સ ચાલુ છે કે નહી? તે તપાસવા માટે મકરબા રેલવે ફાટકના રસ્તા પરથી જતા હતા. તે સમયે એક ઇકો કાર સરકારી વાહનની પાછળ આવતી હતી. જેનો ડ્રાઇવર સતત હોર્ન વગાડતો હતો. જો કે સાઇડ આપતા વાર લાગી હતી. આ સમયે ઇકો કારના ચાલકે ઓવરટેક કરીને આગળ જવાને બદલે પોલીસની વાનને આગળ ઉભી રાખીને એક વ્યક્તિએ પોલીસને ધમકી આપી હતી કે 'તેરે બાપ કા રોડ હે...સાઇડ ક્યુ નહીં દેતી.. ગાડી નહી આતી તો રોડ પે ક્યો નીકલતી હો....' સૌથી ચૌંકાવનારી બાબત એ હતી કે મહિલા પોલીસની શી ટીમનો સ્ટાફ વર્ધીમાં હતો. તેમ છતાંય, ઇકો ગાડીમાં રહેલા માથાભારે તત્ત્વોએ જાહેરમાં ધમકી આપીને પોલીસનો ફજેતો કર્યો હતો.
100 નંબર પર મદદ માંગી
છેવટે મદદ માટે શી ટીમના સ્ટાફે આનંદનગર પોલીસ મથકે સ્ટાફ મોકલવા માટે જાણ કરી હતી. જો કે આનંદનગર પોલીસના સ્ટાફે પોતાના સ્ટાફ માટે મદદ કરવામાં સમય લેતા પોલીસ કંટ્રોલ રૂમમાં 100 નંબર પર મદદ માંગવામાં આવતા પોલીસ આવી હતી અને કાર્યવાહી કરી હતી. જેમાં ઇકો કારમાં જતા ચાર લુખ્ખાઓએ પોલીસનો ડર ન હોય તેમ પીસીઆર વાનના સ્ટાફ સાથે તકરાર કરી હતી. જો કે આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવતા (1) અભિષેક યાદવ, તેનો ભાઇ અર્જુન યાદવ, સંદીપ સેન (તમામ રહે.કૃષ્ણધામ ઔડા વિભાગ-1, વેજલપુર) અને સુનિલ યાદવ (રહે. શ્રીનંદનગર, વિભાગ-1, વેજલપુર)ને ઝડપીને કાર્યવાહી કરી હતી.
મહિલાઓની સુરક્ષા કરતી શી ટીમ જ અસુરક્ષિત!
શી ટીમને મહિલાઓની સુરક્ષા માટેની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં દરેક પોલીસ સ્ટેશન પ્રમાણે શી ટીમની રચના કરવામાં આવી છે. પરંતુ, આનંદનગર પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓએ લુખ્ખાઓને અસામાજીક પ્રવૃતિ કરવાનો છુટ્ટો દોર આપતા હવે શી ટીમ પણ સલામત નથી. ત્યારે અન્ય મહિલાઓની સુરક્ષા પોલીસ કઇ રીતે કરશે? તે મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠાઃ પ્રેમિકાને મળવા ગયેલા યુવકને મળી તાલીબાની સજા, VIDEO VIRAL
પોલીસની નિષ્ક્રિયતાને કારણે મહિલાઓ ફરિયાદ કરતા ડરે છે
વેજલપુરથી મકરબા તેમજ કૃષ્ણધામ ઔડાના મકાનોની આસપાસ અનેક ગેરકાયદે પ્રવૃતિ બેરોકટોક રીતે ચાલે છે. જેના કારણે આ રસ્તા પર સાંજના સમયે લુખ્ખાઓ દ્વારા સામાન્ય વાહનચાલકો અને મહિલાઓને પરેશાન કરવામાં આવે છે. પરંતુ, તેમને પોલીસનો ડર ન હોવાને કારણે મહિલાઓ જ પોલીસ ફરિયાદ કરતા ડરે છે. કારણ કે જો ફરિયાદ કરશે બાદમાં તેમને વધારે પરેશાન કરવામાં આવશે. જો કે પોલીસ માટે આ વિસ્તારમાં મહિલાઓની સુરક્ષા કરવા કરતા માથાભારે તત્વોને સાચવવું વઘારે મહત્ત્વનું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.








