Ahmedabad news: નારોલમાં પ્રેમીએ પ્રેમિકા પર કર્યું ફાયરિંગ, આરોપી ઝડપાયો
સૌથી સુરક્ષિત કહેવાતા શહેરમાં અવાર-નવાર જાહેરમાં હુમલા અને ફાયરિંગની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે

સૌથી સુરક્ષિત કહેવાતા શહેરમાં અવાર-નવાર જાહેરમાં હુમલા અને ફાયરિંગની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં શહેરના નારોલ વિસ્તારમાં ધોળા દિવસે પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું હતું. જોકે સદનસીબે આ હુમલામાં યુવતીનો આબાદ બચાવ થયો છે, તો બીજી તરફ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, મંગળવારે (2 સપ્ટેમ્બર) શહેરના નારોલ વિસ્તારના અલીફનગરમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું હતું. બપોરે યુવક પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો, જ્યાં તેણે પ્રેમિકા પર ફાયરિંગ કર્યું હતું અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. યુવતીએ કોઈ અન્ય યુવક સાથે સગાઈ કરી હતી, જેના કારણે રોષે ભરાયેલી યુવકે પોતાની જ પ્રેમિકાની હત્યા કરવાની યોજના ઘડી હતી. જોકે, સદનસીબે આ હુમલામાં યુવતીનો આબાદ બચાવ થયો અને કોઈ ગંભીર ઈજા થઈ નહતી.
ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો
યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરતા એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો. મધ્યપ્રદેશથી આવીને યુવકે નારોલમાં પ્રેમિકા પર એક રાઉન્ડ ફાયરિંગ કરી સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા નારોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઝોન 6 ડીસીપી અને તેમની સ્કવોડ સહિતની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.ગણતરીના કલાકોમાં આરોપી પ્રેમી અરબાઝ ખાન ઉર્ફે ભૂરો રંગરેઝની ઝોન 6 LCB ટીમે પકડી ઝડપી પાડ્યો છે.
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ
નોંધનીય છે કે, છાશવારે આવી જાહેરમાં ફાયરિંગ અને અસામાજિક તત્ત્વો દ્વારા હથિયારો વડે કરવામાં આવતા હુમલાઓ અમદાવાદ જેવા વિકસિત શહેર માટે ચિંતાજનક વિષય છે. તેમજ રાજ્ય અને શહેરના કાયદો અને વ્યવસ્થા પર મોટો પ્રશ્ન ઊભો કરે છે. અવાર-નવાર બનતી આવી ઘટનાઓ પુરવાર કરે છે કે, જનતામાં ન તો કાયદો અને વ્યવસ્થાનું કોઈ ભાન રહ્યું છે અને ન તો પોલીસનો કોઈ ડર રહ્યો છે.






