સુરતીઓ ટિકિટ બુક કરાવી લો, આ મહિનાથી શરૂ થશે બેંગ્કોકની ફ્લાઈટ, જુઓ શિડ્યુલ
એર ઇન્ડિયા એક્સપ્રેસનું બેંગકોક ખાતે સ્ટેશન સ્થાપિત થયા પછી એરલાઇન્સે વિન્ટર શિડ્યુ

એર ઇન્ડિયા એક્સપ્રેસનું બેંગકોક ખાતે સ્ટેશન સ્થાપિત થયા પછી એરલાઇન્સે વિન્ટર શિડ્યુલમાં નવેમ્બર અંતમાં અથવા ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં વીકમાં 4 દિવસ સુરત –બેંગકોક–સુરત ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી કરી છે. સોમ, બુધ, શુક્ર અને રવિવારે આ ફ્લાઇટ સુરતથી સવારે 06.30 કલાકે બેંગકોક જવા ટેક ઓફ થશે.બેંગકોકથી સુરત બપોરે 14.50 કલાકે આવશે. એરલાઇન્સે આ ફ્લાઇટ માટે એક્રેડેટેડ ટ્રાવેલ્સ એજન્સીઓને ફલાઇટનું બુકિંગ આગામી સપ્તાહથી શરૂ કરવા જાણ કરી છે. એરલાઇન્સે સુરત એરપોર્ટ પર આ સ્લોટ વિન્ટર શિડ્યુલમાં ઓકટોબરના છેલ્લા વીકથી મંજૂર કરાવ્યો છે.
આ શિડ્યુઅલ રહેશે
એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત – બેંગકોક ફ્લાઇટને લીધે સુરતને વધુ એક નવી ડોમેસ્ટિક ફ્લાઇટ ચેન્નાઇ – સુરત – ચેન્નાઇની ફ્લાઇટ મળશે. વીકમાં 4 દિવસ સોમ, બુધ, શુક્ર અને રવિવારે ચેન્નાઇથી આ ફ્લાઇટ રાતે 22.00 કલાકે સુરત આવશે અને નાઈટ હોલ્ટ કરી બીજા દિવસે આ જ એરક્રાફ્ટ સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ તરીકે કન્વર્ટ થઈ સવારે 06.30 કલાકે બેંગકોક જવા રવાના થશે. અને બેંગકોકથી સુરત બપોરે 14.50 કલાકે આવી સુરતથી ડોમેસ્ટિક ફ્લાઇટ તરીકે ચેન્નાઇ જશે.વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપ અને સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા સુરતથી બેંગકોકની આ ફલાઇટની માંગણી કરવામાં આવી હતી.એર ઇન્ડિયા એક્સપ્રેસનાં એમડી.આલોક સિંહ છેલ્લે સુરત આવ્યા હતા. ત્યારે આ રજૂઆત કરવામાં આવી હતી. તેમણે સુરત ડાયમંડ બુર્સના પણ મુલાકાત લીધી હતી.
મુંબઈ –સુરત –મુંબઈની ડેઇલી ફ્લાઇટ પણ શરૂ થશે
એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા 28 ઓકટોબરથી સુરત એરપોર્ટથી મુંબઈ – સુરત – મુંબઈની ડેઇલી ફ્લાઇટ શરૂ કરવા મંજૂરી મેળવી લેવામાં આવી છે. આ ફલાઇટનું બુકિંગ પણ ટૂંક સમયમાં થશે.સવારે 08.20 કલાકે વિમાન સુરત એરપોર્ટ લેન્ડ થશે અને સુરતથી સવારે 08.50 કલાકે ટેકઓફ થશે. મુંબઈ – સુરત – મુંબઈની ડેઇલી ફ્લાઇટ માટે સુરત ડાયમંડ બુર્સ કમિટી એ 50 ટકા પેસેન્જર લોડ આપવાની ખાત્રી આપી છે.જોકેવરલાઇન્સ એ કોઈ બેંક ગેરંટી માંગી નથી.વર્ષ 2018-19 માં મુંબઈ – સુરત – મુંબઈ રૂટ પર એરલાઇન્સને સર્વાધિક 84,070 પેસેન્જર મળ્યા હતા. 2022-23 માં ફ્લાઇટ અનિયમિત બની બંધ થઈ એ વર્ષે પણ 20,022 પેસેન્જર મળ્યા હતા.








