Ahmedabad news: પાંચ મહિના અગાઉ મળેલી લાશનો ભેદ ઉકેલાયો; બે મિત્રોએ પૈસા માટે કરી હતી હત્યા
અમદાવાદના ગ્રામ્યનાં ચાંગોદર વિસ્તારમાં માર્ચ મહિનામાં એક નાળામાંથી મળેલા યુવકના મૃતદેહન

અમદાવાદના ગ્રામ્યનાં ચાંગોદર વિસ્તારમાં માર્ચ મહિનામાં એક નાળામાંથી મળેલા યુવકના મૃતદેહનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. મૃતક યુવક આસામનો વતની મોહિબુલ હતો, જેની હત્યા તેના જ બે મિત્રોએ પૈસાની લાલચમાં કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, હત્યા કરવા માટેની દોરી તૂટી જતાં આરોપીઓએ મોહિબુલના બૂટની દોરીથી જ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી.
બે યુવકોએ પૈસાની લાલચમાં મિત્રનું ઢીમ ઢાળી દીધું
ગત 16મી માર્ચ 2025નાં રોજ ચાંગોદર વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક નાળામાંથી એક વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ હતી, જેથી પોલીસે મિસિંગ ફરિયાદો તપાસ કરવાનું શરૂ કર્યુ હતું. આસામના મોહિબુલ નામના યુવકની આ લાશ હોવાની સામે આવી હતી. મોહિબુલના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળતાં હત્યા કરાઈ હોવાની શંકા પોલીસ વ્યક્ત કરીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મોહિબુલનું સિમકાર્ડ એક્ટિવ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ મોહિબુલનો નંબર ટ્રેસ કરીને આ બન્ને યુવકોની ધરપકડ કરતા તેમણે જ આ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આ બન્ને શખ્સોના નામ સંતલાલ ગૌતમ અને રોહિતસિંહ ગૌડ છે. બન્નેએ રૂપિયા માટે પોતાના જ મિત્રની હત્યા કરી નાખી હતી.
મૃતકનાં બૂટની જ દોરીથી ગળું દબાવીને કરી હત્યા
પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ બન્ને આરોપીઓમાં સંતલાલ ગૌતમ પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશનો અને રોહિતસિંહ ગૌડ ગ્વાલિયર, મધ્ય પ્રદેશનો રહેવાસી છે. આરોપીઓએ મોહિબુલને મારીને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો અને બન્ને શખ્સો મૃતકને રેલવે ટ્રેક પર ચાલવા માટે લઇ ગયા હતા. જ્યાં તેમણે ઝિપ ટાઈથી તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયા. ત્યારબાદ, તેમણે મૃતકનાં બૂટની જ દોરીથી ગળું દબાવીને તેની હત્યા કરી હતી. હત્યા બાદ, બન્નેએ મોહિબુલની લાશને ટ્રેન નીચે નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહેતાં મૃતદેહને નાળામાં ફેંકી દીધો. આરોપીઓએ 6 માર્ચના રોજ મોહિબુલની હત્યા કરી હતી અને 10 દિવસ બાદ એટલે કે 16 માર્ચે તેની લાશ મળી આવી હતી.
પોતે કરોડપતિ હોવાનો દેખાડો કરવો બન્યું મોતનું કારણ
પોલીસની તપાસમાં સામે આવ્યું કે મોહિબુલ ચાંગોદરના તાજપુર રોડ પર આવેલી મેક્સગ્રાફિક્સ કંપનીમાં કામ કરતો હતો. મોહિબુલ તેના મિત્રોને અવારનવાર કહેતો હતો કે, મારી પાસે ખૂબ પૈસા છે અને આસામમાં પણ જમીનો છે. મોહિબુલ પોતે કરોડપતિ હોવાનો દેખાવ કરવાનો શોખ તેના માટે મોતનું કારણ બન્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે, તેમણે મોહિબુલના બેંક ખાતામાંથી બે લાખ રૂપિયા હતા, જે હડપ કરવા કાવતરું ઘડ્યું હતું. તેમણે મોહિબુલને તાજપુર ગામની સીમમાં બોલાવી, દોરડાથી ગળું દબાવીને હત્યા કરી. હત્યા બાદ, ઓળખ છુપાવવા મૃતદેહનાં કપડાં ઉતારી, ચહેરા પર ટી-શર્ટ મુકી આગ લગાડી. ત્યારબાદ, મૃતદેહને રેલવે લાઇન પાસે ફેંકી દીધો અને તેનો મોબાઇલ ફોન લઈ ફરાર થઈ ગયા. હાલ તો આ મામલે ગ્રામ્ય પોલીસે આરોપીની વધુ તપાસ શરૂ કરી છે.






