મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara જિલ્લા પંચાયતમાં ભાજપની મોટી જીત; કોંગ્રેસના સૂપડાં સાફ, 34માંથી માત્ર 2 બેઠક મળી

વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ રાજકીય વર્તુળોમાં હડકંપ મચાવી દીધો છે. ભાજપે અહીં વિર

Vadodara જિલ્લા પંચાયતમાં ભાજપની મોટી જીત; કોંગ્રેસના સૂપડાં સાફ, 34માંથી માત્ર 2 બેઠક મળી
આ સમાચાર સાંભળો

વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ રાજકીય વર્તુળોમાં હડકંપ મચાવી દીધો છે. ભાજપે અહીં વિરોધ પક્ષના અસ્તિત્વને લગભગ મિટાવી દઈને 34માંથી 32 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. બીજી તરફ, ગુજરાતના રાજકારણનો સૌથી જૂનો પક્ષ કોંગ્રેસ એટલી હદે ફટકો પડ્યો છે કે હવે તેના સભ્યો 'ટુ-વ્હીલર' પર બેસીને પંચાયત પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ભાજપની એકતરફી જીત: 4 બેઠકો તો બિનહરીફ

વડોદરા જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. બાકીની 30 બેઠકો પર યોજાયેલા 72.25% મતદાનમાં મતદારોએ ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. ભાજપના આ પ્રચંડ વિજય સામે વિપક્ષના તમામ ગણિતો ઊંધા પડ્યા છે.

કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર સમેટાઈ: માત્ર શિનોર અને વલણ બચ્યા

કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ભાજપનું ગાબડું જોવા મળ્યું છે. આખા જિલ્લામાંથી કોંગ્રેસના માત્ર બે જ ઉમેદવારો વિજયી બન્યા છે. શિનોર બેઠકથી પ્રહલાદભાઈ પટેલ અને વલણ બેઠકથી અમીશાબેન વસાવા વિજયી બન્યા છે. આ બે બેઠકો સિવાય જિલ્લામાં ક્યાંય પણ પંજાનો પ્રભાવ જોવા મળ્યો નથી. ઐતિહાસિક રીતે આ કોંગ્રેસનો સૌથી નબળો દેખાવ માનવામાં આવે છે.

હારના કારણો: આંતરિક ખેંચતાણ અને નબળું આયોજન

રાજકીય વિશ્લેષકો અને ખુદ કોંગ્રેસના સૂત્રો મુજબ, આ પરાજય પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. પક્ષના મોટા નેતાઓ અને પાયાના કાર્યકરો વચ્ચે કોઈ તાલમેલ જોવા મળ્યો નહોતો. ઉમેદવારોની પસંદગી વખતે વહાલા-દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાથી પક્ષમાં અંદરખાને ભારે અસંતોષ હતો, જેની સીધી અસર પરિણામો પર પડી છે.

કાર્યકરો નાસીપાસ: વિપક્ષના અસ્તિત્વ સામે જોખમ

પરિણામો બાદ કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે. વર્ષો સુધી સત્તા ભોગવનાર પક્ષને માત્ર 2 બેઠકો મળતા કાર્યકરોમાં નિરાશા છે. હવે આગામી પાંચ વર્ષ સુધી વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનું એકહથ્થુ શાસન રહેશે અને વિપક્ષ માત્ર નામ પૂરતો જ મર્યાદિત રહેશે.

આ સમાચાર શેર કરો