Gandhinagar news: ભાજપ સરકાર ટેક્સ વધાર્યા બાદ તેને ઘટાડી ખોટી વાહવાહી લૂંટે છે, વિધાનસભામાં વિપક્ષના ચાબખા
ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષે કરેલા પ્રશ્નોનો સરકારના

ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષે કરેલા પ્રશ્નોનો સરકારના મંત્રી જવાબ આપી રહ્યા છે. આ પ્રશ્નોતરી દરમ્યાન શાસક અને વિપક્ષ એક બીજા પર પ્રહારો પણ કરી રહ્યા છે. ત્યારે ચોમાસા સત્ર દરમ્યાન વિધાનસભામાં થયેલી પ્રશ્નોત્તરી નીચે મુજબ છે:
બનાસકાંઠામાં GAS ના અધિકારીઓ સાથે બેઠક
ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદ બાદ તંત્રએ લીધેલા પગલાંના જવાબમાં સરકારના મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. તેમના દ્વારા બનાસકાંઠાની પરિસ્થિતિને લઈ GAS કેડરના અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં 16 થી 17 ઈંચ વરસાદ પડવાથી સ્થાનિકોને હાલાકી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
8 વર્ષે ભાજપને ખબર પડી કે ટેક્ષ વધુ છે
GST સ્લેબમા કરાયેલા રીફોર્મ અંગે વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાયો હતો, જેનો વિરોધ કરતાં કોંગ્રેસ નેતા કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર પહેલા ટેક્ષ વધારી અને પછી તેને ઘટાડી ખોટી વાહવાહી લૂંટે છે. 8 વર્ષે તમને ખબર પડી કે ટેક્ષ વધુ છે. તમે કેટલાય વેપારીઓને લૂંટી લીધા અને અનેક વેપારીઓએ આત્મહત્યા કરી છે. કોંગ્રેસ તો છેલ્લા 8 વર્ષથી કહેતી હતી કે આ ગબ્બરસિંગ ટેક્સ છે.
ડરના કારણે ભાજપની સરકાર હાલના કાયદાઓ સુધારી રહી છે
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે જન વિશ્વાસ સુધારા વિધેયક પર વાંધો ઉઠાવી સરકારને આડે હાથ લીધી છે. તેમણે કહ્યું હતુ કે ડરના કારણે ભાજપની સરકાર હાલના કાયદાઓ સુધારી રહી છે. ભાજપને પણ ખબર છે કે 2027 મા કોંગ્રેસની સરકાર બનશે તો જેલમાં ન જવું પડે તે માટે કાયદાઓ હળવા કરાઇ રહ્યા છે.






