મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Botad: તુરખા હત્યાકાંડ મામલે 3 આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન, 11 આરોપીઓ ફરાર

બોટાદ તાલુકાના તુરખા ગામે ખેલાયેલા ખૂની ખેલમાં આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે રી-કન્સ્ટ્રક્શન ક

બોટાદ તાલુકાના તુરખા ગામે ખેલાયેલા ખૂની ખેલમાં આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે રી-કન્સ્ટ્રક્શન કરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પંચો તેમજ મોટો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. નોંધનીય છે કે,  ગત 15 જાન્યુઆરીના રોજ તુરખા ગામે અગાઉ કરાયેલી ફરિયાદના રાગદ્વેષને લઈ 15 શખ્સોએ સામૂહિક રીતે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

આ ગંભીર ઘટનાના પગલે પોલીસે 15 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. અત્યાર સુધીમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જેમાંથી એક આરોપી હાલ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં દાખલ છે. બાકી ત્રણ આરોપીઓ પંકજ સાગઠિયા, નરેન્દ્ર સાગઠિયા અને બિપિન સાગઠિયા ને પોલીસે સાથે રાખી ઘટના સ્થળે લાવી રી-કન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું છે કે અન્ય એક આરોપી નાગજીભાઈ સાગઠિયા હાલ સારવાર હેઠળ છે અને તે સ્વસ્થ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે. રી-કન્સ્ટ્રક્શન દરમિયાન ડીવાયએસપી, પાળીયાદ પોલીસ, જિલ્લા પોલીસ સહિતનો મોટો પોલીસ કાફલો અને પંચો હાજર રહ્યા હતા. આ રી-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓની હાજરીને કારણે ગામ લોકો તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ડીવાયએસપી મનીષા દેસાઈએ માહિતી આપતાં જણાવ્યું હતું કે હજુ પણ આશરે 11 જેટલા આરોપીઓ ફરાર છે. ફરાર આરોપીઓને ઝડપવા માટે જિલ્લા પોલીસની અલગ અલગ ત્રણ ટીમો બનાવી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો