મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BZ કૌભાંડ: 'મને જેલમાંથી બહાર કાઢો, હું રોકાણકારોના પૈસા પરત કરીશ', કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની શેખી

BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામ

BZ કૌભાંડ: 'મને જેલમાંથી બહાર કાઢો, હું રોકાણકારોના પૈસા પરત કરીશ', કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની શેખી

BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સરકારે એકાઉન્ટ બ્લોક કર્યા એટલા માટે રોકાણકારોને પૈસા મળતા બંધ થયા હોવાની રજૂઆત કરી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી દરમિયાન BZના મુખ્ય આરોપીએ મહત્ત્વની દલિલ કરી હતી.

'મને જેલમાંથી બહાર કાઢો, રોકાણકારોના તમામ પૈસા પરત કરીશ'- ભૂપેન્દ્રસિંહ ઝાલા

ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી વકીલે કોર્ટમાં ખાતરી આપી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જેલમાંથી બહાર કાઢવામાં આવશે તો તમામ રોકાણકારોના નાણાં સમયસર મળતા થઇ જશે. 4366 રોકાણકારોના 250 કરોડથી વધુ નાણાં વ્યાજ સાથે પરત આપ્યા તેવું તપાસનીશ અધિકારીના સોગંદનામાથી સાબિત થાય છે. આ સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે કોર્ટમાં જણાવ્યું કે જો રાજ્યમાં નાણાકીય અસ્થિરતા ઉભી ના કરવી હોય તો જામીન આપવા જરૂરી છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ વિરલ આર.પંચાલે કહ્યું કે,  'ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટો સહિતના લોકો પર 27 નવેમ્બર 2024ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે જામીન અરજી મુકતા કોર્ટમાં દલીલો કરી હતી. જે દિવસે ફરિયાદ કરવામાં આવી તે દિવસ સુધી એક પણ રૂપિયાનો ડિફોલ્ટ થયો નથી અને કોઇ રોકાણકારોના પૈસા ડુબ્યા નથી કે કોઇ ફરિયાદ પણ નોંધાઇ નથી.ઇન્ચાર્જ ઓફિસરની એફિડેવિટ ભૂલભરેલી હતી. આ આખી ફરિયાદ ખોટી રીતે ઉભી કરવામાં આવી છે. જે તે સમયે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે આ કૌભાંડ 6000 કરોડ રૂપિયાનું હોવાનું કહેવામાં આવતું હતું. ઇન્ચાર્જ ઓફિસરે એફિડેવિટ રજૂ કરી ત્યારે 400 કરોડનો આંકડો આવ્યો હતો. આ વખતે રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી ત્યારે એફિડેવિટમાં 172 કરોડ રૂપિયા રોકાણકારોને ચુકવવાના બાકી છે તેમ જણાવવામાં આવ્યું છે. '

આ પણ વાંચો: BZ કૌભાંડ:ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરી જેલ હવાલે, રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે કર્યો હુકમ

આંકડો મોટો બતાવવાના પ્રયાસનો આક્ષેપ

ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી કોર્ટમાં હાજર રહેલા વકીલે CID ક્રાઇમ પર મોટો આરોપ લગાવ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે કહ્યું કે, CID ક્રાઇમ દ્વારા 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પણ આ આંકડો ખોટો છે. અરજદારે આક્ષેપ કર્યો કે, આંકડો મોટો બતાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. રેગ્યુલર જામીન અરજી વખતે ઇન્ચાર્જ ઓફિસરે જે એફિડેવિટ રજૂ કરી તેમાં રોકાણકારોને માત્ર 172 કરોડ રૂપિયા જ ચુકવવાના બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે. બચાવ પક્ષની રજૂઆત બાદ કોર્ટે તપાસનીશ અધિકારીને હાજર થવા હુકમ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી સોમવારના રોજ હાથ ધરાશે.

આ સમાચાર શેર કરો