Bhavnagar: બુટલેગરો બન્યા બેફામ, દારૂની રેડ કરવા ગયેલી LCB ટીમ પર એસિડ એટેકનો પ્રયાસ!

ભાવનગર શહેરમાં બુટલેગરોની હિંમત વધી હોય તેમ લાગી રહ્યું છે. દારૂબંધીના કાયદાનો અમલ કરાવવા ગયેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમ પર બુટલેગરોના ટોળાએ હુમલો કરવાનો અને એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.
તપાસ દરમિયાન 8 લોકોનું ટોળું આવ્યું અને હંગામો મચાવ્યો
ભાવનગર LCBની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ચાવડી ગેટ બસ સ્ટેન્ડ પાસે એક મારૂતિ XL-6 કારને રોકી હતી. કારમાંથી ઇંગ્લિશ દારૂ હોવાની બાતમીના આધારે ત્રણ વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી હતી.
આ પૂછપરછ દરમિયાન, આશરે 8 જેટલા લોકોનું ટોળું હાથમાં ટ્યુબલાઈટના ધોકા લઈને ત્યાં ધસી આવ્યું હતું. તેમણે પોલીસ કાર્યવાહીમાં દખલગીરી કરી હતી અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. હંગામા દરમિયાન, એક શખ્સે એસિડ જેવી બોટલથી પોલીસ ટીમ પર હુમલો કરવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. વળી, એક ઇસમે પોતાની પાસે રહેલું ફીનાઇલ પીવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં કોન્સ્ટેબલ માનદિપસિંહ ગોહિલને ઈજા પણ પહોંચી હતી.
પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા
ઘટનાની જાણ થતાં પોલીસની વધારાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે દારૂ, કાર ડ્રાઇવર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમની સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

