BHAVNAGAR / ક્ષત્રિયોના વિરોધ વચ્ચે હર્ષ સંઘવી અને રત્નાકરે ભાજપના ક્ષત્રિયો નેતાઓ સાથે હોટલમાં કરી બેઠક
Lok Sabha Election 2024 : રાજ્યમાં ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલા અને

Lok Sabha Election 2024 : રાજ્યમાં ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ રહ્યો છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રત્નાકર વિવિધ જિલ્લાઓમાં જઈને ભાજપ નેતાઓ સાથે બેઠક કરી રહ્યાં છે. ગઈકાલે બંને આગેવાનોએ રાજકોટમાં બેઠક કરી હતી, તો આજે 22 એપ્રિલે ભાવનગરમાં બેઠક કરી હતી.
ખાનગી હોટલમાં કરી બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રત્નાકરે ભાવનગરમાં વિક્ટોરિયા રોડ પર આવેલી એક ખાનગી હોટલમાં ભાજપ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો, ભાવનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણીયા અને ધારાસભ્ય તેમજ પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી હાજર રહ્યાં હતા.
આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. જો કે બેઠક અંગે મીડિયાને કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી ન હતી. હર્ષ સંઘવીની ઓચિંતાની મુલાકાતને લઈને ભાવનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનોએ કર્યો વિરોધ
ભાવનગરના ગારિયાધારમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવકોએ વિરોધ કર્યો હતો. ગારિયાધારમાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, જેમાં ક્ષત્રિય સમાજના યુવકોએ કાળા વાળટા ફરકાવી અને ‘રૂપાલા હાય હાય’ના નારા લગાવ્યા હતા. પોલીસે કેટલાક યુવકોની અટકાયત કરી હતી.






