Video: આમોદમાં જર્જરિત બિલ્ડિંગો 'જીવલેણ બોમ્બ' સમાન, કુંભકર્ણની નિંદ્રામાં 'દુર્ઘટના'ની રાહ જોતું તંત્ર!'
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં ગીચ વસતી ધરાવતા વિસ્તારોમાં આવેલી અનેક જર્જરિત બિલ્ડિંગો હવે 'જીવલેણ બોમ્બ' સમાન બની ગઈ છે અને ગમે ત્યારે ધરાશાયી થવાની કગાર પર છે. છેલ્લા દોઢથી બે વર્ષથી સ્થાનિક નાગરિકો, શાળાના આચાર્યો અને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, નગરપાલિકા, મામલતદાર કચેરી અને પી.ડબ્લ્યુ.ડી. સહિતનું તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું છે.
બાળકોના માથે જોખમ: જૂની કોર્ટ બિલ્ડિંગ
આમોદમાં સૌથી મોટું જોખમ મિશ્ર શાળા નંબર-1 ની બાજુમાં આવેલી જૂની કોર્ટ બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગની દિવાલોમાં મોટા ચીરા પડ્યા છે અને છત પરથી ટુકડાઓ પડી રહ્યા છે. દરરોજ સેંકડો નાના બાળકો આ જોખમી બિલ્ડિંગ પાસેથી પસાર થઈને શાળાએ આવે છે. સ્થાનિક આચાર્યએ અનેક વખત લેખિત ફરિયાદ કરીને તંત્રને ચેતવ્યું છે કે બાળકોનું શિક્ષણ નહીં, પણ જોખમ તેમનો સાથી બની ગયું છે.
મામલતદાર કચેરી સામે પણ જર્જરિત બિલ્ડિંગ
આમોદમાં બેદરકારીની હદ તો જુઓ, મામલતદાર કચેરીની સામે આવેલી બહુમાળી બિલ્ડિંગ અને તિલક મેદાન પાસેની રંગોત્સવ બિલ્ડિંગ પણ અત્યંત જર્જરિત અવસ્થામાં છે. થોડા મહિના પહેલાં રંગોત્સવ બિલ્ડિંગની નજીક ક્રિકેટ રમતા એક વ્યક્તિના માથા પર છતનો ભાગ પડતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પરંતુ તંત્ર માટે આ બનાવ પણ કોઈ ચેતવણી નહીં, પણ 'નવાઈ વગરની ઘટના' બની રહી ગયું.
તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહમાં છે?
જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તીખા સ્વરે સવાલ ઉઠાવ્યો છે કે, "આમોદમાં કોઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ જાનહાનિ થાય ત્યારબાદ જ શું તંત્ર જાગશે?" નગરજનો હવે સ્પષ્ટપણે માંગ કરી રહ્યા છે કે, કાગળ પરના રિપોર્ટ અને તપાસના નાટકને બદલે તાત્કાલિક કાર્યવાહી જોઈએ. જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક અસરથી ધરાશાયી કરવામાં આવે, અન્યથા આ બેદરકારી કોઈ દિવસ માનવ હાનિમાં ફેરવાશે અને ત્યારબાદ માફીનો નાટક અને તપાસની ફાઈલો ખૂલશે, પણ જીવ પાછા નહીં આવે.

