VIDEO/ BHARUCH: પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ, સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ કાદવમય બન્યા
ભરૂચ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ગત રાત્રે પડેલા સામાન્ય વરસાદે જ ખોલી નાખી છે. ભરૂચના શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી પાણીની લાઈન અને રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, તંત્રની ઘોર બેદરકારી અને અત્યંત મંદગતિની કામગીરીને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
રોડની અધૂરી કામગીરી અને ખોદકામને લીધે રસ્તા પર મોટા પ્રમાણમાં માટી પથરાયેલી હતી. વરસાદ પડતાં જ આ માટી ધોવાઈ ગઈ હતી અને સમગ્ર માર્ગ ચીકણો તેમજ કાદવકીચડ યુક્ત બની ગયો હતો.
અનેક વાહનચાલકો પટકાયા
રસ્તો અત્યંત લપસણો બની જવાને કારણે સવારના સમયે ઓફિસ અને કામે નીકળેલા અનેક મોટરસાયકલ સવારો અને વાહનચાલકો સ્લિપ થઈને રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતોમાં અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પણ પહોંચી છે. લાંબા સમયથી ચાલી રહેલી આ મુશ્કેલીને કારણે સ્થાનિક લોકોમાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ચૂંટણી સમયે મત માગવા આવતા નેતાઓ અને પદાધિકારીઓ અત્યારે જનતાની મુશ્કેલીઓ જોવા માટે ડોકાતા પણ નથી.
ચૂંટાયેલા સભ્યો દોડી આવ્યા
પરિસ્થિતિ વણસતી જોઈ અને જનતાનો ભારે રોષ જોઈને ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, હાજર લોકોએ આ લોકપ્રતિનિધિઓને પણ આડે હાથ લીધા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી.
સ્થાનિક રહીશોએ વહીવટી તંત્ર અને પદાધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં પાણીની લાઈન અને રોડનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરીને રસ્તો સરખો કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં ચક્કાજામ કરીને રસ્તાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે જનતાની આ ચીમકી બાદ ભરૂચનું વહીવટી તંત્ર જાગશે કે પછી નાગરિકોએ ચોમાસાની શરૂઆતમાં જ વધુ હાડમારી વેઠવી પડશે.

