Bharuch: પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન મહિલા PSI પર હુમલો; ઉમેદવારે કોલર પકડી ઝીંક્યો લાફો

ભરૂચના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરતીમાં આવેલા એક યુવાને ફરજ પરના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પર હુમલો કરતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં હાલ પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિવિધ શાખાઓના પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ભરૂચ પોલીસની એમ.ઓ.બી. (MOB) શાખાના મહિલા પીએસઆઇ ઇલાબેન મેડિકલ તંબુ પાસે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે ભરતીમાં આવેલો દર્શીત જયદેવ ગઢવી નામનો શખ્સ તંબુ પાસે ઉભા રહીને અપશબ્દો બોલી રહ્યો હતો. મહિલા પીએસઆઇએ તેને શાંત રહેવા અને ગાળો ન બોલવા માટે સમજાવ્યો હતો. પરંતુ, શિસ્તબદ્ધ ગણાતી ભરતી પ્રક્રિયામાં આ યુવાન અચાનક આવેશમાં આવી ગયો હતો.
મહિલા અધિકારીનો કોલર પકડી હુમલો કર્યો
આરોપી દર્શીત ગઢવી એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે મહિલા પીએસઆઇ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. તેણે મહિલા અધિકારીનો કોલર પકડી લીધો હતો અને મોઢા પર તમાચો મારી દીધો હતો. એટલું જ નહીં, તેણે પીએસઆઇનો હાથ પકડીને તેમને નીચે પાડી દીધા હતા, જેના કારણે તેમને ઇજાઓ પહોંચી હતી.
ભરતી મેદાનમાં બનેલી આ હિંસક ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. ત્યાં હાજર અન્ય પોલીસકર્મીઓ અને અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

