'વન નેશન વન ઇલેક્શન'ની વાતો વચ્ચે રાજ્યમાં ગેસના ભાવ અલગ કેમ?; PNG મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી

ગુજરાતમાં વન નેશન વન ઇલેક્શનની વાતો કરતી ભાજપ સરકાર વન સ્ટેટ વન ગેસ પ્રાઇસ લાવી શકી નથી તેવો આક્ષેપ કરતા ગુજરાત કોંગ્રેસે PNG (પાઇપ્ડ નેચરલ ગેસ)ના ભાવ અને માપદંડમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસના દાવા મુજબ અદાણી ગેસમાં સુરેન્દ્રનગરના ગ્રાહકો 1347 રૂપિયા ચૂકવે છે જ્યારે અમદાવાદના ગ્રાહકો પાસેથી 1473 રૂપિયા લેવાય છે, એટલે કે 126 રૂપિયા વધુ વસૂલાય છે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાત સરકારની પોતાની કંપની ગુજરાત ગેસ PNG રાજ્યના નાગરિકોને 1377 રૂપિયામાં ગેસ આપે છે, જ્યારે રાજસ્થાનમાં આજ કંપની 56 રૂપિયા સસ્તા ભાવે ગેસ પૂરો પાડે છે. સાબરમતી ગેસ કંપની પણ 1439 રૂપિયા વસૂલે છે.
આ અંગે કોંગ્રેસ નેતાએ આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના લોકો વારંવાર વન નેશન વન ઇલેક્શનની વાતો કરે છે, પરંતુ દરેક નાગરિકને સ્પર્શતા પીએનજી ગેસના આટલા મોટા પ્રશ્ન પર આ સરકાર વન સ્ટેટ વન ગેસ પ્રાઇસ પણ લાવી શકી નથી. અદાણી PNGમાં અમદાવાદના ગ્રાહકો 1473 રૂપિયા ચૂકવે છે, જ્યારે સુરેન્દ્રનગરના ગ્રાહકો 1347 રૂપિયા ભરે છે. એટલે કે સુરેન્દ્રનગર કરતાં અમદાવાદ શહેરના ગ્રાહકો પાસેથી અદાણી ગેસમાં 126 રૂપિયા વધારે લેવામાં આવે છે. આનાથી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે ગુજરાત સરકારની પોતાની કંપની ગુજરાત ગેસ, જે ગુજરાતની જનતાની અને તેમના પૈસાની કંપની છે, તે ગુજરાતના લોકોને 1377 રૂપિયામાં ગેસ આપે છે જ્યારે એ જ કંપની રાજસ્થાનના લોકોને 56 રૂપિયા ઓછા ભાવે ગેસ આપે છે. આમ, ગુજરાતની પોતાની કંપની હોવા છતાં અહીંના લોકોએ વધુ નાણાં ચૂકવવા પડે છે અને બીજા રાજ્યને સસ્તા ભાવે ગેસ અપાય છે, જ્યારે સાબરમતી ગેસ કંપની 1439 રૂપિયા વસૂલે છે.
'ગેસ માપવાની પદ્ધતિ અને માપદંડ પણ એકસરખા નથી'
કોંગ્રેસના મતે 'આ તો માત્ર અલગ અલગ કંપનીઓ અને શહેરો વચ્ચેના ભાવોનો તફાવત છે, પરંતુ તેમની ગેસ માપવાની પદ્ધતિ અને માપદંડ પણ એકસરખા નથી. અદાણી ગેસ, ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ કંપનીઓ એમએમબીટીયુ એટલે કે મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ દ્વારા ગેસનું માપ કાઢે છે, જ્યારે વડોદરા ગેસ કંપની અને આઈઆરએમ જેવી કંપનીઓ સ્ક્વેર ક્યુબિક મીટર મુજબ ભાવ નક્કી કરે છે'.
આમ, સમગ્ર રાજ્યમાં અલગ અલગ કંપનીઓના જુદા જુદા શહેરોમાં અલગ ભાવ, અલગ માપદંડ અને ગુજરાતની પોતાની કંપની હોવા છતાં ગુજરાતના લોકો સાથે જ અન્યાય કરીને વધારે ભાવ વસૂલવામાં આવતો હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગેસની કિંમતોમાં પણ ભારે વધારો થયો છે ત્યારે ગુજરાત કોંગ્રેસે સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતમાં ગેસના ભાવમાં સંપૂર્ણ સમાનતા લાવવામાં આવે અને દરેક કંપની ગુજરાતના દરેક નાગરિકને એકસમાન ભાવે ગેસ સપ્લાય પૂરો પાડે.











