સુરતમાં શ્રાવણ માસના તહેવારો અગાઉ પાલિકાની આરોગ્ય ટીમ જાગી, ફરાળી લોટ સહિતની વસ્તુઓ વેચનારને ત્યાં દરોડા
પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયાના આટલા દિવસ બાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિ

પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયાના આટલા દિવસ બાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. તહેવારો શરૂ થવાના છે. ત્યારે ફરાળી લોટ અને અન્ય વસ્તુઓ વેચનાર વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ફરાળી વસ્તુઓના નામે ડુપ્લીકેટ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા છે.
ઉપવાસ ન તૂટે તેની તકેદારી
શ્રાવણ માસમાં આવતા તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉપવાસ કરતા હોય છે. ત્યારે ઉપવાસ દરમિયાન ખવાતી ફરાળી વાનગીઓમાં વપરાતા લોટ સહિતના વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોવાથી લોકોના ઉપવાસ તૂટતા હોય છે. ત્યારે લોકોના આરોગ્યની સાથે ધાર્મિક લાગણી ન દુભાઈ તે માટે દરોડા પાડવામાં આવ્યા હતા.
6 જગ્યાએ તપાસ
પાલિકાના અધિકારીએ કહ્યું કે, સુરતના અલગ અલગ ઝોનમાં છ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે. જો તેમાં કોઈ ગેરરીતી જણાશે તો આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.








