અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો 90 વર્ષ જૂની ગરીબોની આ હોસ્પિટલ બંધ કરવાની ફિરાકમાં હોવાની ચર્ચા
Ahmedabad News : 90 વર્ષ સુધી લોકોને ઉમદા સારવાર આપનાર અને લોકજીભે વી.એસ.ના નામથી જાણીતી

Ahmedabad News : 90 વર્ષ સુધી લોકોને ઉમદા સારવાર આપનાર અને લોકજીભે વી.એસ.ના નામથી જાણીતી બની ગયેલી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનો અમદાવાદ મહાનગરપાલિકાના વર્તમાન સત્તાવાળાઓ વાવટો સંકેલી લેવાની ફિરાકમાં હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે.
1931માં શરૂ થઈ હતી વી.એસ. હોસ્પિટલ
13મી ડિસેમ્બર 1931ના ચાલુ કરવામાં આવેલી હોસ્પિટલને હવે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પલટી નાખીને તેને બીજા કોઈ સ્થળે ખસેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વી.એસ.નું અલગ સ્થળે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં રૂપાંતર કરી દેવાની પણ તૈયારી ચાલતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
એસ.વી.પી. હોસ્પિટલ ચાલુ થયા પછી મોટાભાગની સર્જરીના કામકાજ વી.એસ.માં કરવામાં આવતા જ નથી. વી.એસ. હોસ્પિટલમાં અત્યારે ગાયનેક, પીડિયાટ્રીક, ઓર્થોપેડિક અને ઓપીડી ચલાવવામાં આવી રહ્યા છે. બાકીના બધાં જ દર્દીઓ ઓપીડીમાં સારવાર લઈ રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં રામોલ પોલીસ તોડકાંડ મામલે ઉચ્ચ અધિકારીને સોંપાઈ તપાસ
સિટી સ્કેન અને સોનાગ્રાફી બંધ કરી દેવામાં આવી
વી.એસ. હોસ્પિટલના બંધારણના 24 નંબરના મુદ્દામાં સ્પષ્ટ જણાવાયું છે કે દર્દીઓની સારવાર માટે કરાયેલા તમામ ખર્ચના નાણાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચૂકવવાના રહેશે. આમ છતાં, વી.એસ.માં સિટી સ્કેન અને સોનાગ્રાફી બંધ કરી દેવામાં આવી છે. અમ્યુકોએ ખર્ચ આપીને વી. એસ. હોસ્પિટલ ચલાવવી ફરજિયાત છે. તેથી તેને બંધ કરી શકાય તેમ ન હોવાથી તેને સામુદાયિક હેલ્થ સેન્ટરમાં રૂપાંતરિત કરી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કદાચ તેને બીજી જગ્યાએ પણ ખસેડી લેવામાં આવે તેવી સંભાવનાને નકારી શકાતી નથી.
279થી વધુ જગ્યાઓ ખાલી
2019ની સાલમાં એસવીપી ચાલુ થઈ તે પછી તેમાં દર્દીઓની સંખ્યા વધે તે હેતુથી જ વી.એસ. હોસ્પિટલનો વાવટો સંકેલવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રહ્યા તેના કારણો. વી.એસ.ના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ નિવૃત્ત થયા તે પછી તેમને સ્થાને નવી નિમણૂક કરવામાં આવી નથી. અમ્યુકો સંચાલિત એએમસી મેટના ક્લાર્કની કક્ષાના કર્મચારીને વી.એસ.ના સુપરિન્ટેન્ડન્ટનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. બીજું, વીએસમાં 279થી વધુ જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ પર નવી નિમણૂક કરવામાં આવતી જ નથી. સૌથી મોટી ડેપ્યુટી ડાયરેક્ટરની જગ્યા ખાલી પડેલી છે. તદુપરાંત જુનિયર ક્લાર્કની 50, સ્ટાફનર્સની 25, આયાની 29 અને વોર્ડ બોયની 58 જગ્યાઓ ખાલી પડી છે. દસેક વર્ષથી નવી ભરતી જ કરવામાં આવતી નથી.
આ પણ વાંચો : અમદાવાદમાં લાગુ થશે સ્ટ્રીટ વેન્ડીંગ પોલિસી, ફૂડ સ્ટોલવાળા અને ફેરિયાઓ ગમે ત્યાં નહીં કરી શકે વેપાર
ગ્રાન્ટમાં સતત ઘટાડો
વી.એસ.નું નામ એટલું સારું હતં કે ઓપીડીમાં લાખો પેશન્ટ સારવાર લેવા આવતા હતા.. 2014-15ની સાલમાં 6.29 લાખ દર્દીઓ ઓપીડીમાં સારવાર લેવા માટે આવ્યા હતા. આ દર્દીઓની સંખ્યા 2023-24માં ઘટીને 2.87 લાખ થઈ ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓની સંખ્યા 2014-15માં 66000ની આસપાસની હતી. આજે હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યા ઘટીને 8527ની થઈ ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા તરફથી વીએસને માટે આપવામાં આવતી ગ્રાન્ટમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. અગાઉના વર્ષોની ગ્રાન્ટની તુલનાએ છેલ્લા થોડા વરસોની ગ્રાન્ટમાં ખાસ્સો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.
ટ્રસ્ટી મંડળના સભ્ય હાઈકોર્ટમાં
અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાવાળાઓના વલણથી નારાજ થયેલા ટ્રસ્ટી મંડળના સભ્યો અને હોસ્પિટલ ઊભી કરવા માટે જમીન અને નાણાંનું દાન આપનારાઓના પરિવારના સભ્યોએ હાઈકોર્ટમાં ધા નાખી છે. તેમનું કહેવું છે કે મેડિકલ કાઉન્સિલમાં હજીય વીએસ હોસ્પિટલનું જ નામ છે. એસવીપી હોસ્પિટલમાં કામ કરતાં તબીબોને આજેય પગાર તો વીએસ હોસ્પિટલના ચોપડેથી જ કરવામાં આવી રહ્યો છે, તેમને આ રીતે પગાર કરવાનો કોઈ જ અધિકાર નથી.








