વર્ષ 2025-26 માટે AUDAનું બજેટ કરાયું રજૂ, SP રિંગ રોડને સિક્સલેન બનાવાશે
વર્ષ 2025-26 માટે ઔડા(AUDA)નું રુપિયા 2231.21 કરોડનું બજેટ રજૂ કરાયુ છે. ભાટ

વર્ષ 2025-26 માટે ઔડા(AUDA)નું રુપિયા 2231.21 કરોડનું બજેટ રજૂ કરાયુ છે. ભાટ તથા કમોડના હયાત બ્રિજની બંને બાજુએ થ્રીલેન બ્રિજ બનાવવા ઉપરાંત ભાટ સર્કલ, ચિલોડા સર્કલ, અસલાલી સર્કલ તથા ત્રાગડ અંડરપાસની બંને બાજુએ બીજા બે અંડરપાસ બનાવવા અંદાજપત્રમાં આયોજન કરાયુ છે.
ઔડા હસ્તકના સરદાર પટેલ રીંગ રોડને સિકસલેન બનાવવા બે પેકેજમાં કામગીરી હાથ ધરવામાં આવશે.એશિયન ડેવલપમેન્ટ બેન્ક તરફથી વર્ષ 2025-26 માટે પહેલા તબકકામાં રુપિયા 630.3 કરોડની લોન મળવાનો અંદાજ મુકાયો છે.
ઔડાના સી.ઈ.ઓ.દેવાંગ દેસાઈએ ઔડાનુ વર્ષ 2025-26 માટેનુ અંદાજપત્ર રજૂ કર્યુ હતુ.રુપિયા 2231.21 કરોડના બજેટની સામે રુપિયા 2366.23 કરોડની આવક અંદાજવામાં આવતા વર્ષના અંતે રુપિયા 135 કરોડની પુરાંત રહેવાનો અંદાજ મુકાયો છે.
ટ્રાફિકના ભારણને ધ્યાનમાં લઈને પાંચ અંડરપાસ બનાવવાનુ આયોજન કરાયુ છે.નિકોલ વિસ્તારના રીંગ રોડ ઉપરના ભકિત સર્કલ ઉપર વ્હીકલ અંડરપાસ બનાવવામાં આવશે.સમગ્ર રીંગ રોડ સહીતની જમીનના કેચમેન્ટ એરિયાને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા ઉપરાંત રીંગ રોડની આસપાસ વિકસી રહેલી ટી.પી.સ્કીમના રહેવાસીઓની અવરજવર તથા સલામતીના ભાગરુપે રીંગ રોડ ઉપર ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે.રીંગ રોડના અપગ્રેડેશન માટે બજેટમાં રુપિયા 300 કરોડની જોગવાઈ કરાઈ છે.
ઔડા પશ્ચિમમાં આવેલા ખોડીયાર,લીલાપુર, જાસપુરમાં અને મણિપુર,સાણંદમાં તથા પૂર્વ વિસ્તારમાં આગામી વર્ષમાં ડ્રેનેજ નેટવર્ક અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા રુપિયા 200 કરોડના ખર્ચની જોગવાઈ કરાઈ છે.શાંતિપુરા ચોકડી પાસે ભરાયેલા પાણી,સનાથલ તળાવ,નાંદોલી,ગઢીયા તળાવ માટે બાયો રેમિડીયન્સની કામગીરી કરાવવા રૃપિયા પાંચ કરોડની જોગવાઈ કરાઈ છે.
હયાત તળાવના રિ-ડેવલપમેન્ટ તથા બ્યુટીફિકેશન તથા પ્રગતિ હેઠળના ગઢીયા તથા જેતલપુર તળાવની કામગીરી પુરી કરવા રુપિયા પચાસ કરોડની ફાળવણી કરાઈ છે.સાણંદ,કલોલ સહીતના વિસ્તારમાં નવી લાયબ્રેરી બનાવાશે. 10 કરોડના ખર્ચે ઔડા ભવનનુ નિર્માણ કરાશે.મણિપુર,ગોધાવી ટી.પી.-429ને મોડેલ ટી.પી.સ્કીમ બનાવાશે.
76 કિલોમીટરના રીંગ રોડના અપગ્રેડેશન પાછળ રૂપિયા 2293 કરોડના ખર્ચનો અંદાજ
ઔડા રીંગરોડ હાલમાં 60 મીટર પહોળાઈ અને 76 કિલોમીટરની લંબાઈ ધરાવે છે.હાલ ફોરલેન રીંગરોડને સિકસલેન બનાવાશે.અમદાવાદ પૂર્વમાં 37 કિલોમીટર તથા પશ્ચિમમાં 39.25 કિલોમીટર લંબાઈ ધરાવતા રીંગરોડના અપગ્રેડેશન પાછળ રુપિયા 2293 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.આ માટે 6 ફેબુ્રઆરીએ ટેન્ડર કરાયુ છે.સરદાર પટેલ રીંગ રોડનો સર્વિસ રોડ જે હાલમાં ટુ લેન છે જેને આવશ્યકતા અનુસાર થ્રી કે ફોરલેન બનાવાશે.
આગામી વીસ વર્ષનું ફિઝીકલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્લાન કરાશે
તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજના-2041 અંગે બજેટમાં રુપિયા પાંચ કરોડની જોગવાઈ કરાઈ છે.જેમાં આગામી વીસ વર્ષનું ફિઝીકલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્લાનિંગ કરાશે.વોટર સપ્લાય, સુઅરેજ અને સ્ટ્રોમ વોટર મેનેજમેન્ટ માટે રિવાઈઝ ડેવલપમેન્ટ પ્લાન-2041 તૈયાર કરવા રિકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવાઈ છે.
કયા હેડ હેઠળ કેટલી ગ્રાન્ટ મળશે?
| હેડ | અંદાજિત રકમ(કરોડમાં) |
| સ્વર્ણિમ | 288.47 |
| એ.ડી.બી. પ્રોજેકટ | 90 |
| રીંગ રોડ અપગ્રેડેશન | 57.75 |
| જીએમએફબી | 35 |
| તળાવ વિકાસ | 7.25 |
| એફોર્ડેબલ આવાસ | 33.76 |
| જલજીવન મિશન | 17.85 |
| વોટર જોડાણ ચાર્જ | 5 |
પ્લોટ વેચી 900 કરોડ આવક મેળવાશે
ઔડા હસ્તકના આવેલા વિવિધ હેતુ માટેના પ્લોટનુ વેચાણ કરી રુપિયા 900 કરોડ, દુકાન વેચાણથી રુપિયા પાંચ કરોડ તથા એફોર્ડેબલ આવાસના હપ્તાની રુપિયા 3.90 કરોડ આવક સાથે રુપિયા 908.90 કરોડ આવક થવાનો અંદાજ મુકાયો છે.








